આ અનોખી લગ્ન પરંપરાઓ વિશે જાણો છો?

ભારતમાં લગ્ન એટલે માત્ર બે વ્યક્તિઓનું નહીં, પરંતુ બે પરિવારો અને સંસ્કૃતિઓનું મિલન. સામાન્ય રીતે આપણે જાન, ફેરા, કન્યાદાન અને વિદાય જેવી જાણીતી વિધિઓથી પરિચિત છીએ. પરંતુ ભારત જેવા વિવિધતાસભર દેશના અલગ-અલગ પ્રાંતોમાં એવી અનેક અનોખી અને ઓછી જાણીતી લગ્ન પરંપરાઓ આજે પણ જીવંત છે, જે સામાન્ય રીતરિવાજો કરતાં સાવ અલગ છે.

આ પરંપરાઓ પાછળ સદીઓ જૂની લોકમાન્યતાઓ અને અનોખું સામાજિક વિજ્ઞાન છુપાયેલું છે. વાત કરીએ ભારતની એવી લગ્ન પરંપરાઓ વિશે…

ગુજરાત

સામાન્ય રીતે દરેક લગ્નમાં વરરાજા ઠાઠમાઠથી જાન લઈને કન્યાના ઘરે જતા હોય છે, પરંતુ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના સુરખેડા, સનાડા અને અંબાલા જેવા ગામોમાં વસતા રાઠવા આદિવાસી સમુદાયમાં તદ્દન ઊલટી પરંપરા જોવા મળે છે. અહીં વરરાજા પોતાના ઘરે જ રોકાય છે અને એની કુંવારી બહેન જાન લઈને કન્યાના ઘરે જાય છે. બહેન જ કન્યા સાથે લગ્નની તમામ વિધિઓ અને ફેરા પૂર્ણ કરી કન્યાને પરણાવીને પોતાના ભાઈના ઘરે લઈ આવે છે. સ્થાનિક લોકમાન્યતા મુજબ, આ ગામોના ગ્રામદેવતા કુંવારા હોવાથી જો વરરાજા જાન લઈને જાય તો તેના પર સંકટ આવી શકે છે, તેથી બહેન આ જવાબદારી નિભાવે છે.

પશ્ચિમ બંગાળ

દરેક માતાનું સપનું હોય છે કે તે પોતાના દીકરાના લગ્ન ધામધૂમથી જુએ, પરંતુ બંગાળી હિંદુ સમુદાયમાં એક અત્યંત અનોખી પ્રથા પ્રચલિત છે. બંગાળી લગ્નોમાં જ્યારે વરરાજા જાન (બોરજાત્રી) લઈને કન્યાના ઘરે પરણવા જાય છે, ત્યારે એની માતા જાનમાં જતી નથી અને લગ્નની વિધિઓમાં હાજર રહેતી નથી. તે પોતાના ઘરે જ રોકાય છે અને નવી વહુના ગૃહપ્રવેશની તૈયારીઓ કરે છે. એવી વર્ષો જૂની લોકવાયકા છે કે જો માતા દીકરાના લગ્નની વિધિઓ જુએ, તો ભવિષ્યમાં સાસુ અને વહુ વચ્ચે અણબનાવ કે ઝઘડા થવાની શક્યતા વધી જાય છે.

રાજસ્થાન

આધુનિક શહેરોમાં જેને ‘લિવ-ઈન રિલેશનશિપ’ કહેવામાં આવે છે, તે પ્રથા રાજસ્થાનના ઉદયપુર, સિરોહી અને પાલી જિલ્લામાં વસતી ગરાસિયા જનજાતિમાં સદીઓથી માન્ય છે. ‘દાપા’ પ્રથા તરીકે ઓળખાતી આ પરંપરામાં યુવક અને યુવતી સ્થાનિક મેળામાં એકબીજાને પસંદ કરે છે અને લગ્ન કર્યા વિના સાથે રહેવાનું શરૂ કરે છે. ઘણી વાર તો સંતાન થયા પછી, જ્યારે પરિવાર પાસે આર્થિક સગવડ થાય ત્યારે બંનેના વિધિવત લગ્ન કરવામાં આવે છે. આ પ્રથાની સૌથી મોટી ખાસિયત એ છે કે જો સાથે રહ્યા પછી બંનેને ન ફાવે, તો તેઓ કોઈ પણ સામાજિક કલંક વિના અલગ થઈને બીજો જીવનસાથી પસંદ કરી શકે છે.

છત્તીસગઢ

ભારતના મોટાભાગના રાજ્યોમાં અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરીને લગ્ન સંપન્ન થાય છે, પરંતુ છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં વસતા મૂરિયા અને ગોંડ આદિવાસી સમુદાયોમાં એકદમ સાદગીપૂર્ણ અને અનોખી પરંપરા છે. અહીં લગ્નની વિધિમાં પંડિત કે મંત્રોચ્ચારને બદલે ‘મહુઆ’ના વૃક્ષની સાક્ષીએ વિધિ થાય છે. સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં કન્યા વરરાજાને વરમાળા પહેરાવે છે અને બંને એકબીજાને હળદર-તેલ લગાવે, એટલે લગ્ન પૂર્ણ થયેલા ગણાય છે. આ સમુદાયમાં દહેજ પ્રથાનો સદંતર વિરોધ છે. લગ્નનો તમામ ખર્ચ વરરાજાનો પરિવાર ઉઠાવે છે.

મેઘાલય

ભારતના મોટાભાગના રાજ્યોમાં લગ્ન પછી કન્યા વિદાય લઈને વરરાજાના ઘરે જાય છે, પરંતુ મેઘાલયની ખાસી અને ગારો જનજાતિમાં તદ્દન અલગ ‘માતૃસત્તાક’ વ્યવસ્થા જોવા મળે છે. અહીં લગ્ન પછી કન્યા નહીં, પરંતુ વર પોતાનું ઘર છોડીને કન્યાના ઘરે રહેવા જાય છે. એટલું જ નહીં, લગ્ન પછી થતા સંતાનોને પિતાની નહીં પણ માતાની અટક મળે છે. પરિવારની મિલકતની મુખ્ય વારસદાર પણ દીકરાઓને બદલે ઘરની સૌથી નાની દીકરી બને છે, જે માતા-પિતાની સેવાની જવાબદારી નિભાવે છે.

ભારતના વિવિધ ખૂણે જોવા મળતી અન્ય રસપ્રદ લગ્ન પરંપરાઓ

ભારતની લગ્ન સંસ્કૃતિ એટલી વિશાળ છે કે દરેક પ્રાંતમાં કંઈક નવું જોવા મળે છે. ગુજરાતની જ વાત કરીએ તો, મહેસાણા અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરરાજાના ઘરે ‘વરઘોડા’ની સાથે મહિલાઓ દ્વારા થતા ‘ફટાણા’ (મજાકિયા લગ્નગીતો) અને સાસુ દ્વારા વરરાજાનું ‘પોંકણું’ (નાક ખેંચવાની રસમ) ખૂબ જાણીતા છે, જ્યારે સૌરાષ્ટ્રના અમુક સમુદાયોમાં લગ્ન પહેલાં ‘માંડવા મુહૂર્ત’ વખતે માટીના કોડિયા અને કળશની વિશેષ પૂજા થાય છે. આ ઉપરાંત, અન્ય રાજ્યોમાં નજર કરીએ તો, તમિલનાડુના બ્રાહ્મણ લગ્નોમાં વરરાજા સંસાર ત્યાગીને ‘કાશી યાત્રા’ પર નીકળવાનો અભિનય કરે છે અને કન્યાના પિતા તેને મનાવીને પાછા લાવે છે. મહારાષ્ટ્રમાં કન્યાના મામા તેને મંડપમાં લઈ આવે છે અને વર-કન્યા વચ્ચે ‘અંતરપાટ’ (પડદો) રાખીને મંગળાષ્ટક ગવાય છે. ઉત્તર પ્રદેશના અમુક ગામોમાં જાનૈયાઓનું સ્વાગત ટામેટાં ફેંકીને કરવાની અનોખી પ્રથા છે, તો મણિપુરના મેઈતેઈ સમુદાયમાં વર-કન્યા એકબીજાને માછલીની જોડી અર્પણ કરીને સુખી દાંપત્યજીવનની શરૂઆત કરે છે. આમ, કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક રિવાજ પાછળ પ્રેમ, હાસ્ય અને પરિવારને જોડી રાખવાનો જ ભાવ છુપાયેલો છે.


હેતલ રાવ