જ્યારે લોકશાહીમાં સંવાદના દરવાજા બંધ થઈ જાય છે, ત્યારે જનતા પોતાના અસ્તિત્વ અને અધિકારને વાચા આપવા રસ્તા પર ઉતરે છે. પ્રદર્શન એટલે માત્ર પથ્થરમારો કે
રસ્તા રોકવા એટલું જ નહીં. ભારતીય પ્રજાએ પોતાના વિરોધને અસરકારક બનાવવા માટે કલ્પનાતીત અને અહિંસક માર્ગો અજમાવીને સત્તાધીશોના કાન ખોલ્યા છે.
જ્યારે સહનશીલતાની હદ વટાવી જાય ત્યારે લોકલાગણી કેવા અણધાર્યા અને ચોંકાવનારા સ્વરૂપે પ્રગટ થઈ શકે છે એનો ઇતિહાસ સાક્ષી છે.
આજકાલ દેશભરમાં જુદા જુદા મુદ્દાઓ પર અનેક વિરોધ પ્રદર્શનો અને આંદોલનો ચાલી રહ્યા છે,ત્યારે વાત કરીએ ભારતના ઇતિહાસમાં નોંધાયેલા અનોખા સત્યાગ્રહો વિશે, જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું…
ચીપકો સત્યાગ્રહ

હિમાલયની ગિરિમાળાઓમાં કુદરતને બચાવવા માટે રચાયેલું આ એક અનન્ય લોકકવચ હતું. વર્ષ 1973માં ઉત્તરાખંડના રેણી ગામમાં જ્યારે વન વિભાગના ઈશારે જંગલના અસંખ્ય ઝાડ કાપવા માટે કુહાડીઓ ઉગામવામાં આવી, ત્યારે ગામના પુરુષોની ગેરહાજરીમાં ગૌરા દેવીની આગેવાની હેઠળ ગ્રામીણ સ્ત્રીઓ સામે આવી ગઈ હતી. એમણે કોઈપણ હથિયાર વગર વૃક્ષોના થડની આસપાસ હાથ જોડીને માનવસાંકળ બનાવી લીધી અને દ્રઢતાપૂર્વક કહ્યું કે ઝાડ પર ઘા કરતાં પહેલાં અમારા શરીર પર ઘા કરવો પડશે. સ્ત્રીઓની આ અડગ હિંમત સામે લાકડાના ઠેકેદારોએ ભાગવું પડ્યું હતું અને છેવટે તત્કાલીન સરકારે જંગલ કાપવા પર પંદર વર્ષનો પ્રતિબંધ મૂકવો પડ્યો હતો.
નીન્દડ ગામનો જમીન સમાધિ મોરચો

પોતાની આજીવિકા સમાન ધરતીને બચાવવા માટે ખેડૂતોએ અપનાવેલો આ અત્યંત હૃદયદ્રાવક રસ્તો હતો. વર્ષ 2017માં રાજસ્થાનના જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આવાસ પ્રોજેક્ટ માટે નીન્દડ ગામની ફળદ્રુપ જમીન બળજબરીથી હસ્તગત કરવામાં આવી રહી હતી. વળતર કે ન્યાય ન મળતાં નાગેન્દ્ર સિંહ શેખાવતના નેતૃત્વમાં ખેડૂતોએ પોતાના જ ખેતરોમાં ખાડા ખોદીને એમાં બેસી જવાનો નિર્ણય કર્યો. વડીલો, યુવાનો અને મહિલાઓએ ગળા સુધી પોતાનું શરીર ધૂળમાં દાટી દીધું, માત્ર ચહેરો જ બહાર રાખ્યો. ધોમધખતા તાપ અને રાતની કાતિલ ઠંડીમાં ગળા સુધી માટીમાં દટાયેલા અન્નદાતાઓની તસવીરોએ દેશભરના પ્રશાસનને વિચારવા મજબૂર કરી દીધું હતું.
નર્મદા ઘાટીનો અવિરત જળ સત્યાગ્રહ

પોતાના વતન અને ઘરોને જળબંબાકાર થતાં બચાવવા માટે આંદોલનકારીઓએ પોતાના શરીરને પાણીમાં હોમી દીધું હતું. વર્ષ 2012માં મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમનું જળસ્તર વધારી દેવાતાં આસપાસના અનેક ગામડાં ડૂબી જવાની અણી પર હતા. પુનર્વસનની માગ સાથે નર્મદા બચાવો આંદોલનના આલોક અગ્રવાલ અને સાથીઓની આગેવાનીમાં ગોગલગાંવના વિસ્થાપિતો નર્મદાના કાંઠે કમરડૂબ પાણીમાં ઊતરી ગયા. ભૂખ્યા-તરસ્યા લોકો સતત સત્તર દિવસ સુધી ચોવીસે કલાક ગળાડૂબ પ્રવાહમાં અડગ ઊભા રહ્યા. પાણીમાં સતત રહેવાને કારણે પગની ત્વચા સડવા લાગી અને માછલીઓ પગ કોતરવા લાગી છતાં લોકો હટ્યા નહીં, જેના પરિણામે વહીવટીતંત્રે ડેમનું પાણી ઘટાડવું પડ્યું હતું.
જંતરમંતર પર હાડપિંજર અને ખોપરી પ્રદર્શન

દિલ્હીની સત્તાના દરબાર સામે ખેડૂતોની લાચારી અને આક્રોશની આ સૌથી ભયાનક રજૂઆત હતી. વર્ષ 2017માં તમિલનાડુમાં છેલ્લા 140 વર્ષનો સૌથી ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને દેવાના બોજ તળે ખેડૂતો દબાયેલા હતા. કેન્દ્ર સરકારનું ધ્યાન ખેંચવા માટે પી. અય્યાકન્નુના નેતૃત્વમાં દક્ષિણ ભારતના ખેડૂતો રાજધાનીના જંતરમંતર પહોંચ્યા. એમણે આત્મહત્યા કરી ચૂકેલા સાથી ખેડૂતોની માનવ ખોપરીઓ ગળામાં લટકાવી, હાથમાં અસ્થિઓ રાખી અને મોંમાં જીવતા ઉંદરો તથા સાપ પકડીને બેસી રહ્યા. અર્ધનગ્ન અવસ્થામાં રસ્તા પર લોટતા આ ખેડૂતોએ ખેતીના ગંભીર સંકટને દેશની નજરે ચડાવ્યું હતું.
મહારાષ્ટ્રની મૂંગી કિસાન પદયાત્રા

અત્યંત પીડા વચ્ચે પણ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવતી આ એક અસાધારણ યાત્રા હતી. વર્ષ 2018માં જમીનના અધિકારો અને પાકના યોગ્ય ભાવ માટે અખિલ ભારતીય કિસાન સભા (AIKS) હેઠળ નાસિકથી મુંબઈ સુધી 40 હજાર આદિવાસી અને ગરીબ કિસાનોએ 180 કિલોમીટર લાંબી કૂચ કરી હતી. ઘણા પ્રદર્શનકારીઓના પગમાં ચંપલ નહોતા, ખુલ્લા પગે ચાલવાથી તળિયા ફાટી ગયા હતા અને રસ્તા પર લોહી ટપકતું હતું. છતાં જ્યારે તેઓ મુંબઈ પહોંચ્યા, ત્યારે સામાન્ય જનજીવન ખોરવાય નહીં અને સવારે બાળકોની બોર્ડની પરીક્ષાઓ હોવાથી એમને કોઈ તકલીફ ન પડે એ માટે આ કૂચ આખી રાત ચાલીને વહેલી સવારે પાંચ વાગ્યે આઝાદ મેદાન પહોંચી ગઈ હતી. આ અનોખી સંવેદનશીલતા જોઈને મુંબઈગરાઓએ સામે ચાલીને ખેડૂતોને પાણી અને નાસ્તો આપ્યો હતો.
|
આધુનિક વિરોધ અને ‘જેન-ઝી’નો નવો અંદાજ
સમય બદલાવાની સાથે વિરોધ નોંધાવવાની પદ્ધતિઓમાં પણ મોટો પલટો આવ્યો છે. હવે માત્ર લાકડી કે પથ્થરના જવાબો નથી અપાતા, પરંતુ વહીવટી અધિકારીઓને પ્રેમથી ગુલાબનું ફૂલ ભેટ આપીને શરમમાં મૂકવાની ‘ગાંધીગીરી’ અપનાવાય છે. બીજી તરફ ખેડૂતો પોતાનો પાક રોડ પર વહાવીને અનાદરની સામે વિરોધ નોંધાવે છે. આજના દોરમાં રાત્રિના અંધકારમાં ન્યાય માટે નીકળતી શાંત કેન્ડલ માર્ચ, દીવાલો પર ચીતરાતા કટાક્ષભર્યા ગ્રેફિટી કાર્ટૂન અને શેરી નાટકો લોકજાગૃતિનું માધ્યમ બન્યા છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે આજની નવી ‘જેન-ઝી’ (Gen-Z) પેઢી પોતાના અવાજને રજૂ કરવા પરંપરાગત રીતોથી સાવ અલગ રસ્તો અપનાવી રહી છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ, મીમ્સ, એનિમેટેડ ગ્રાફિક્સ અને પોપ-કલ્ચરના પ્રતીકો દ્વારા તેઓ ગંભીર સામાજિક-રાજકીય મુદ્દાઓને સેકન્ડોમાં વાયરલ કરી દે છે. આબોહવા પરિવર્તન, મહિલાઓ પર થતા અત્યાચારની વાત હોય કે પછી પરીક્ષાના પેપર લીક જેવા પ્રશ્નો, હાથમાં ધારદાર કટાક્ષવાળા પ્લેકાર્ડ્સ પકડીને રસ્તા પર ઉતરતી આ પેઢી કોઈ પણ રાજકીય પક્ષના બેનર વગર, માત્ર સ્માર્ટફોન અને ડિજિટલ હેશટેગ્સના જોરે લાખો લોકોને ગણતરીની મિનિટોમાં એકત્ર કરી સત્તા સામે બુલંદ મોરચો માંડી રહી છે. |
(હેતલ રાવ)







