આ તળાવ સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે!

મહેસાણા જિલ્લાનું વડનગર(Vadnagar) એક ઐતિહાસિક શહેર છે. તાજેતરમાં જ ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને જૂની ધરબાયેલી સંસ્કૃતિ મળી આવી છે. વડનગરમાં હિંદુ, જૈન, બૌધ્ધ સમયના અવશેષો મળી રહ્યા છે. ધાર્મિક સ્થળો સ્મારકો સાથેના આ નગરમાં અજપાલ કુંડ (ગૌરીકુંડ), અર્જુન બારી દરવાજો, કિર્તી તોરણ, તાના રીરી સમાધિ, હાટકેશ્વર મહાદેવ, જૈન દેરાસર, બૌધ્ધકાળના અવશેષો, વડનગર મ્યુઝિયમ, વાવ જેવા અનેક સ્થળો આવેલા છે.

આ વિવિધ સંસ્કૃતિથી ભરેલા નગર(Vadnagar)માં સૌથી વધારે આકર્ષક શર્મિષ્ઠા તળાવ(Sharmistha Lake) છે. શર્મિષ્ઠા તળાવ સોલંકીયુગના સમયગાળામાં પાણીની જાળવણી માટેનો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત માનવામાં આવે છે. શર્મિષ્ઠા તળાવ હાલ પણ ઉપયોગમાં છે. એ અરાવલિની ટેકરીઓમાંથી વહેતા કપિલા નદીના પાણી દ્વારા બનાવવામાં આવેલું એક પ્રાચીન તળાવ છે. આ તળાવ સાથે અનેક લોકવાયકાઓ અને દંતકથાઓ વણાયેલી છે. આશરે 4500 વર્ષ પહેલાં નિર્માણ થયેલા આ તળાવને છેલ્લા દાયકામાં સુંદર બનાવવામાં આવ્યું છે. નવા પગથિયા, એમ્ફિથીયેટર , સુંદર લાઇટિંગ સાથે અનેક આકર્ષણો શર્મિષ્ઠા તળાવની રોનક વધારી રહ્યા છે.

વડનગર(Vadnagar)ની સંસ્કૃતિનો અનુભવ કરાવતું અનંત અનાદિ વડનગર પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય તાજેતરમાં જ નિર્માણ થયું છે. એની ડિઝાઇન એ રીતે તૈયાર કરવામાં આવી છે કે પુલ દ્વારા શહેર અને શર્મિષ્ઠા તળાવ(Sharmistha Lake)નો નજારો માણી શકાય. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના વતની છે. એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ શર્મિષ્ઠા તળાવ સહિત નગરનો વિકાસ પૂર ઝડપે થયો. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને 12 વર્ષ થયા. વડનગર આ પ્રસંગે અનોખી ઉજવણી કરી રહ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)