દેશભરમાં કેવા હોય છે દિવાળીના રંગો?

દિવાળીનો તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવે છે. મોટાભાગના લોકો દિવાળીની ઉજવણી પોતાના પરિવાર સાથે કરતા હોય છે.સ

જો કે છેલ્લાં કેટલાક વર્ષોથી દિવાળીની રજાઓમાં બહાર ફરવા જવાનું ચલણ પણ વધ્યું છે અનો લોકો બહારગામ જઇને દિવાળી મનાવે છે. કોઈ મિત્રો સાથે તો કોઈ પરિવાર સાથે દિવાળી વેકેશનની મજા માણવાનું આયોજન કરે છે.

જો તમે પણ મિત્રો કે પરિવાર સાથે આ દિવાળીમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો અને તમારો વિચાર ગુજરાત છોડીને દેશમાં કોઇ અન્ય સ્થળે ફરવા જવાનો હોય તો એ પણ જાણી લો કે દેશના ક્યા એવા સ્થળો છે, જ્યાં દિવાળીની રંગત જ જૂદી હોય છે.

કચ્છનું રણ

ગુજરાતનું કચ્છનું રણ દિવાળીના બાદ શરૂ થતા રણ ઉત્સવ માટે વિશ્વપ્રસિદ્ધ છે. સફેદ મીઠાના રણ પર ચાંદનીની કિરણો પડે ત્યારે એવું લાગે જાણે ધરતી પર ચાંદીની ચાદર ઓઢાઈ ગઈ હોય. સ્થાનિક લોકસંગીત, હસ્તકલા બજાર અહીંનો તહેવાર એક મહાન સંસ્કૃતિક ઉજવણી બની જાય છે. જો તમે ગુજરાતી સંસ્કૃતિ, રંગો અને કુદરતનો મેળ એકસાથે માણવા માંગતા હો, તો કચ્છની દિવાળી એ એવી યાત્રા છે જે હૃદયમાં સદાય વસે છે.

ગોવા

દિવાળીના દિવસોમાં ગોવામાં માત્ર લાઈટ્સ જ નહીં, પરંતુ સંગીત, નૃત્ય અને ઉત્સાહનો મહાસાગર જોવા મળે છે. અહીં નરક ચતુર્દશીના પ્રસંગે નારકાસુરની વિશાળ પ્રતિમાઓ બનાવીને પ્રગટાવવામાં આવે છે, જે દુષ્ટતાના નાશનો પ્રતિક છે. બીચ પર ફટાકડાંની ચમક અને ચાંદની રાતમાં સમુદ્રની લહેરો વચ્ચે બેસીને મિત્રો સાથે દિવાળી ઉજવવાનો આનંદ અવિસ્મરણીય બની જાય છે. જો તમે મોજ-મસ્તી અને ઉત્સવ બંને શોધી રહ્યા હો, તો ગોવા દિવાળીમાં ફરવા માટે એક પરફેક્ટ સ્થાન છે.

વારાણસી

ગંગાના કિનારે વસેલું વારાણસી, ઉત્તર પ્રદેશનું આ પ્રાચીન શહેર, દિવાળીના સમયમાં સ્વર્ગ સમાન લાગે છે. અહીં ગંગા ઘાટો પર હજારો દીવડા પ્રગટાવવામાં આવે છે.  જેને દેવ દીપાવલી કહેવામાં આવે છે. જ્યારે રાત્રિના અંધકારમાં ગંગા નદીનું પાણી દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઊઠે છે, ત્યારે એવો અનુભવ થાય કે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય. ગંગા આરતીના મધુર સ્વર, ભક્તિભાવ મનને શાંતિ આપે છે. દિવાળીમાં વારાણસી એ માત્ર પ્રવાસ નથી, પરંતુ આત્માને શાંતિ આપતો એક અધ્યાત્મિક અનુભવ છે.

જયપુર

રાજસ્થાનનું પિંક સિટી જયપુર દિવાળીના સમયે રંગો, લાઇટ્સ અને આનંદથી જીવંત થઈ જાય છે. શહેરના હવા મહેલથી લઈને જોહરી બજાર સુધીના રસ્તાઓ પર હજારો દીવડાઓ અને લાઇટ્સ ઝગમગે છે. રાજાશાહી બજારમાં શોપિંગ, રાજસ્થાની સંગીત અને મીઠાઈઓનો સ્વાદ આખી દિવાળીને ઉત્સવમાં ફેરવી દે છે. અહીંના રાજમહેલો અને કિલ્લાઓ રાત્રિના પ્રકાશમાં સોનાની જેમ ચમકે છે. દિવાળીમાં જયપુર એ એવા પ્રવાસ માટે શ્રેષ્ઠ છે જ્યાં પરંપરા, વૈભવ અને ઉત્સવ એકસાથે જોવા મળે છે. આ ઉપરાંત તળાવની નગરી ઉદયપુર પણ આ સમયે ફરવા માટેનું બેસ્ટ ઓપ્શન છે.

અયોધ્યા

દિવાળીના પાવન તહેવાર દરમિયાન અયોધ્યા નગર દિવ્ય પ્રકાશથી ઝળહળતું બની જાય છે. સરયુ નદીના કિનારે હજારો લોકો એકત્ર થઈને લાખો માટીના દીવા પ્રગટાવે છે, જે અયોધ્યાને સ્વર્ગ સમાન દ્રશ્ય આપે છે. વિશ્વભરમાં પ્રસિદ્ધ આ દ્રશ્યે અયોધ્યાનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાવ્યું છે. દિવાળીના દિવસોમાં અયોધ્યાની મુલાકાત લેવી એ એક આધ્યાત્મિક અને અનોખો અનુભવ બની શકે છે. અહીં રામકોટ અને રામ જન્મભૂમિ જેવા પવિત્ર સ્થળો પર જઈને તમે ભગવાન શ્રીરામના જીવનની ઝાંખી મેળવી શકો છો. સાથે જ અયોધ્યાના ઐતિહાસિક મંદિરો અને સાંસ્કૃતિક વારસો તમારું વેકેશન યાદગાર બનાવી દેશે.

કુર્ગ

કુર્ગ, કર્ણાટકમાં આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે. જેને દક્ષિણ ભારતનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. અહીં કોફી પ્લાન્ટેશન, અભયારણ્ય અને ઝરણાંઓ કુર્ગના મુખ્ય આકર્ષણો છે. અહીંની હરિયાળી અને ઠંડક શાંત અનુભવ આપે છે. એબી ફોલ્સ, રાજા સીટ અને દુબારે એલિફન્ટ કેમ્પ જેવી જગ્યાઓ પર ફરવાનો આનંદ વધુ મનોહર બને છે. જો તમે શાંતિ, કુદરત અને થોડું પોતાને શોધવાનો સમય ઈચ્છતા હો, તો કૂર્ગ દિવાળીમાં એક સ્વર્ગ સમાન સ્થાન છે.

દાર્જિલિંગ

પશ્ચિમ બંગાળનું દાર્જિલિંગ શીતળ અને મનોરંજક હવામાન ધરાવે છે. ટોય ટ્રેન સફર, ચાના ખેતરો અને ટાઇગર હિલથી સનસેટ જોવો એ એક અદભૂત અનુભવ છે. મનમોહક પહાડીઓ સાથે દાર્જિલિંગ એના ચાના બગીચા માટે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. દાર્જિલિંગની કુદરતી સુંદરતાને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રીઓ અહી ફરવા માટે આવે છે.

મૈસુર

દિવાળીના અવસર પર મૈસુર પેલેસ એક અદભૂત નજારો બની જાય છે. હજારો દીવડાઓ અને લાઈટ્સની ઝગમગાટમાં આ ઐતિહાસિક મહેલ એવી તેજસ્વી ચમક સાથે ઝળહળે છે કે જાણે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હોય. પેલેસની દરેક દિવાલ, દરવાજા અને ગુંબજ રંગીન પ્રકાશોથી શણગારાય છે, જે રાત્રે મનમોહક દૃશ્ય સર્જે છે. દિવાળીના દિવસોમાં અહીં એક વિશાળ મેળાનું આયોજન પણ થાય છે, જ્યાં લાખો લોકો તહેવારની ઉજવણી કરવા માટે ઉમટી પડે છે. સંગીત, નૃત્ય, હસ્તકલા, અને સ્થાનિક વાનગીઓનો આ મેળો મૈસુરની સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિબિંબ આપે છે.

કોલકાતા

‘સિટી ઓફ જોય’ તરીકે ઓળખાતું કોલકાતા દિવાળીના દિવસોમાં રોશનીથી ઝળહળતું બની જાય છે. અહીં દિવાળીની સાથે સાથે કાલી પૂજા પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે, જે શહેરની સૌથી લોકપ્રિય પરંપરાઓમાંની એક છે. આખું કોલકાતા દીવડાઓ, ફેરી લાઇટ્સ અને મીણબત્તીઓથી પ્રકાશિત થઈ જાય છે. રસ્તાઓ, ઘરો અને મંદિરો ચમકતા તેજથી ઝળહળે છે. તહેવાર દરમિયાન શહેરમાં બનાવાયેલા સુંદર કાલી પૂજા પંડાલો કલાત્મક અદ્ભુતતા અને ભક્તિભાવનું પ્રતિબિંબ બને છે, જ્યાં હજારો લોકો દર્શન કરવા ઉમટી પડે છે. પ્રવાસીઓ માટે આ દિવસોમાં કાલીઘાટ મંદિર અને દક્ષિણેશ્વર કાળી મંદિરની મુલાકાત ખાસ અનુભૂતિ આપે છે, જ્યાં માતા કાળીની પૂજા અને દીવડાઓની આરતી મનને ભક્તિભાવથી ભરપૂર કરી દે છે.

હેતલ રાવ