બાળકના જન્મ પછી મહિલાઓમાં ઉદભવતી આ સમસ્યા શું છે?

શ્લોકા ખુબ ખુશ હતી. એનું અને પતિ આકાશનું જાણે વિશ્વ બદલાઇ ગયું હતું. શ્લોકા અને આકાશના લગ્ન 30 વર્ષે થયા હતા એટલે લગ્ન થતાની સાથે જ પરિવાર અને સમાજ બંને તરફથી બાળક માટે પ્રેશર થવા લાગ્યુ હતું, પરંતુ હવે દીકરી સ્વરાના જન્મ પછી જાણે બધું બદલાઈ ગયું.

જો કે હવે ધીમે ધીમે એનામાં ચીડિયાપણું આવતું ગયું. નાની નાની વાતે એને ગુસ્સો આવતો. રાત્રે વારંવાર ઊઠવું અને હોર્મોનલ ફેરફારોને કારણે એ ઉદાસ રહેતી. ઘણીવાર રડતી. એને લાગતું કે એ નિષ્ફળ માતા છે. ભાવનાત્મક જોડાણના અભાવે એને અપરાધભાવ સતાવતો.

પરિવારે એની સ્થિતિને સામાન્ય ગણી, પરંતુ એ એકલી પડી ગઈ. પોતાની સ્થિતિ વિશે કોઈ શું કહેશે? એમ વિચારીએ પોતાની લાગણીઓ શેર કરી શકતી નહોતી. આકાશને એની ચિંતા થતી. એક દિવસ તો એ દીકરીને રડતી જોઈ રહી, પણ એને ફીડીંગ ન કરાવી શકી.

છેવટે આકાશ એને મનોચિકિત્સક પાસે લઈ ગયો. ડોક્ટર કહ્યું કે એને PPD એટલે કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન છે. એ વિશે સમજાવી, થેરાપી અને દવાઓની સલાહ આપી. આકાશે ઘરના કામની સાથે શ્લોકાની સંભાળ રાખવાનું શરૂ કર્યું.

થેરાપી અને પતિના સહકારથી ધીમે ધીમે એ સ્વસ્થ થઈ. એ મહિલા સપોર્ટ ગ્રૂપમાં જોડાઈ, જ્યાં અન્ય માતાઓ સાથે અનુભવો શેર કર્યા. શ્લોકા આજે પોતાની સફર બધા સાથે શેર કરે છે, જેથી આ સમસ્યાથી પીડાતી અન્ય મહિલાઓ પણ સમયસર જાગૃત થાય.

PPD વિશે જાગૃતિ જરૂરી

પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (PPD) એ બાળજન્મ પછી નવી માતાઓમાં જોવા મળતી ગંભીર માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ છે. જેમાં ઉદાસી, ચિંતા, થાક, અપરાધભાવ, નિરાશા, ગુસ્સો અને બાળક સાથે ભાવનાત્મક જોડાણનો અભાવ જેવા લક્ષણો દેખાય છે. બેબી બ્લૂઝ, જે થોડા અઠવાડિયામાં ઓછું થઈ જાય છે, પણ PPDના લક્ષણો લાંબા સમય સુધી રહી શકે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગાયનેકોલોજિસ્ટ અને ફર્ટિલિટી એક્સપર્ટ ડો. ઉષ્મા પટેલ કહે છે કે, “પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (PPD) વિશે પૂરતી જાગૃતિ નથી. સામાન્ય ગર્ભધારણની તુલનામાં ઇનફર્ટિલિટી પછી ગર્ભધારણ કરનાર મહિલાઓમાં PPDનું પ્રમાણ વધુ જોવા મળે છે. ઇનફર્ટિલિટીનો તણાવ અને ઘણીવાર ટ્વીન્સ (બે બાળકો)ની સંભાળનું દબાણ આનું કારણ હોઈ શકે છે. આવી મહિલાઓ માટે કાઉન્સેલિંગ આવશ્યક છે. જરૂર પડે તો પરિવારનું પણ કાઉન્સેલિંગ થવું જોઈએ”. એ ભારપૂર્વક કહે છે કે “માતાએ પોતાની લાગણીઓ ખુલ્લેઆમ શેર કરવી જોઈએ અને ડૉક્ટરની સલાહ લઈને આ સ્થિતિમાંથી બહાર આવવાના પ્રયાસ કરવા જોઈએ.”

ઓવરથિંકિંગ બંધ કરી પોતાની ફીલિંગ્સ શેર કરો

રિસર્ચ અનુસાર, લગભગ 20% નવી માતાઓ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (PPD)થી પીડાય છે. ડિલિવરી પછી પ્રોજેસ્ટેરોન લેવલમાં ઘટાડો, ઊંઘની અછત, અને બાળકની સંભાળનું દબાણ આનું કારણ બને છે. નવી માતાઓને “મી-ટાઇમ” ન મળવો, વજન વધવું, કરિયર ગુમાવવાનો ડર, અને નાણાકીય તણાવ જેવા પરિબળો PPDને વધારે છે. અગાઉથી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતી મહિલાઓમાં આનું જોખમ વધુ હોય છે. સેલ્ફ-ડાઉટ અને ભાવનાત્મક તણાવ પણ આ સ્થિતિને વધુ ગંભીર બનાવે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પ્રોફેશનલ એંકર અને વેઇટલિફટર અર્ચિતા આચાર્ય કહે છે કે, “મારે બે બાળકો છે મેં પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (PPD)નો સામનો બે વખત કર્યો છે, એટલે આ બધું મને ખૂબ નજીકથી સમજાય છે. ડિલિવરી પછીનો સમય ખરેખર ખૂબ ટફ હોય છે માટે મહિલાઓએ  સૌથી પહેલા, માનસિક અને શારીરિક રીતે તૈયાર થવું પડશે. લાઇફ પાર્ટનર સાથે બેસીને વાત કરો, કારણ કે એમનો સપોર્ટ ગેમ-ચેન્જર હોય છે. મારા પાર્ટનરે મને ખૂબ મોટિવેટ કરી, જેનાથી ઘણો ફરક પડ્યો. હું મહિલાઓ માટે સેશન કરું છું, કારણ કે આ વિષયની ચર્ચા થવી જરૂરી છે. મહિલાઓએ ફિટનેસ પર ફોકસ કરવુ જરૂરી છે. ઓવરથિંકિંગ બંધ કરી પોતાની ફીલિંગ્સ શેર કરો. ખાસ તો પોતાના માટે થોડા સ્વાર્થી બનો, પોતાનું ધ્યાન રાખો. બીજાની અપેક્ષાઓ ઝીરો રાખો,  પોતાની સ્ટ્રેન્થ બનાવો.”

PPD સામે લડવા માટે જીવનશૈલીમાં ફેરફાર મદદરૂપ

પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (PPD)ના લક્ષણો બાળજન્મના એક અઠવાડિયાથી લઈને મહિનાઓ સુધી દેખાઈ શકે છે. બેબી બ્લૂઝના હળવા લક્ષણો સ્ત્રી આપમેળે દૂર કરી શકે છે, પરંતુ PPD ગંભીર હોય છે, જેમાં વિચિત્ર આભાસ, પેરાનોઈયા અને નુકસાન પહોંચાડવાના વિચારો આવી શકે છે. આવા લક્ષણો જણાય તો તાત્કાલિક પરિવાર અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ સાથે વાત કરો, જેઓ કાઉન્સેલિંગ અથવા એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓની સલાહ આપી શકે છે. ઘણી હોસ્પિટલોમાં નવી માતાઓ માટે સપોર્ટ ગ્રૂપ્સ હોય છે, જ્યાં એક્સપર્ટ્સ તકેદારીની સલાહ આપે છે. PPD સામે લડવા માટે જીવનશૈલીમાં ફેરફાર મદદરૂપ છે. પરિવારની મદદથી પૂરતી ઊંઘ લો, બાળકનો નિયમિત સૂવાનો સમય નક્કી કરો, હળવી કસરત કરો, હેલ્ધી ખોરાક લો, અને પાર્ટનરની મદદથી ભોજનનો સમય આરામદાયક બનાવો. આ નાના ફેરફારો ડિપ્રેશનથી બચાવી શકે છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્યુટીશિયન અને એજ્યુકેટર શ્વેતા મિરાજ રાવજી કહે છે કે, “પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (PPD) વિશે મિત્રો, પતિ કે પરિવાર સાથે ખુલીને વાત કરવી જોઈએ. ઘણી મહિલાઓ કોઈ એમને જજ કરશે એવા ડરથી ચૂપ રહે છે, પરંતુ સ્થિતિ ગંભીર બને તો ડોક્ટરની સલાહ અને થેરાપી લેવી જરૂરી છે. બધું જાતે કરવાની જરૂર નથી. PPD થવું એ નબળાઈ નથી. બીજાની મદદ લેવી શરમજનક નથી.”

પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનાં કારણો

હોર્મોનલ ફેરફારો: પ્રસૂતિ પછી એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન જેવા હોર્મોન્સના સ્તરમાં ફેરફાર મહિલાના વર્તન અને મૂડને અસર કરે છે.

સામાજિક દબાણ: દીકરાની અપેક્ષાએ દીકરીનો જન્મ થાય તો માતા પર તણાવ અને સામાજિક દબાણ વધે છે.

જવાબદારીઓનો બોજ: બાળક અને ઘરની સંભાળની વધુ જવાબદારીઓ અને શારીરિક નબળાઈ માનસિક તણાવ વધારે છે.

કારકિર્દીની ચિંતા: નોકરી કરતી મહિલાઓને ઑફિસમાં પ્રદર્શન, વિલંબ કે વારંવાર રજાઓ લેવાને કારણે પાછળ પડવાનો ડર રહે છે.

શારીરિક બદલાવ: શરીરના બદલાયેલા આકાર વિશે નકારાત્મક વિચારો પણ ડિપ્રેશનનું કારણ બની શકે છે.

પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની સારવાર

લક્ષણોની તીવ્રતા: પ્રારંભિક લક્ષણો હળવા હોય તો દવા વિના સુધારો શક્ય, પરંતુ ગંભીર હોય તો મનોચિકિત્સકની સલાહ જરૂરી.

પરિવારનું સમર્થન: માતાને શારીરિક-માનસિક પરિવર્તનોમાં ભાવનાત્મક સહયોગ, બાળકની સંભાળમાં મદદ અને દબાણ ન કરવું.

ઈલાજના વિકલ્પો: કાઉન્સેલિંગ અને એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓ દ્વારા થેરાપી.

હોસ્પિટલની ભૂમિકા: ગર્ભાવસ્થા દરમિયાન અને પછી માતા-પરિવારના વર્તનની માહિતી એકત્ર કરી યોગ્ય માર્ગદર્શન આપવું.

જાગૃતિનો અભાવ: PPDને શારીરિક નબળાઈ કે અન્ય કારણો સાથે જોડી લોકો ડૉક્ટરને બદલે તંત્ર-મંત્રનો સહારો લે છે.

સર્વશ્રેષ્ઠ ઉપાય: ગર્ભાવસ્થાથી જ મહિલાઓ અને પરિવારને PPD વિશે જાગૃત કરવું.

હેતલ રાવ