GST-2.0ના નવા સુધારાઓથી સામાન્ય લોકોને શું ફાયદો થશે?

GST-2.0ના તાજેતરના સુધારાઓ દેશના અર્થતંત્ર અને સામાન્ય લોકોના જીવન પર નોંધપાત્ર અસર કરશે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ સુધારાઓથી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પર ટેક્સમાં ઘટાડો, નિઃશુલ્ક વીમા પ્રીમિયમ, અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ના ફેરફારો એ ગ્રાહકો અને વેપારીઓ માટે નવી ઉમંગ લાવી છે. આ વિષય પર અમે રિટાર્યડ IAS ઓફિસર ડૉ. પી. ડી. વાઘેલા સાથે વાત કરી, કે જેઓ નેશનલ લેવલના GST લૉ એન્ડ GST ફિટમેન્ટ કમિટીના કન્વીનર અને TRAIના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેમણે GST-2.0ના ફાયદાઓ અને તેની અસરો પર પ્રકાશ પાડ્યો છે. અમારા ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં તેમની પાસેથી જાણીએ કે આ સુધારાઓથી સામાન્ય લોકો, ખેડૂતો, અને વેપારીઓને કેવી રીતે લાભ થશે.

ચિત્રેલખા.કોમ: GSTમાં થયેલા તાજેતરના સુધારાઓથી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પર?

ડૉ. પી. ડી. વાઘેલા: GST-2.0ના સુધારા ખરેખર ખૂબ જ સારા છે. આ સુધારાથી ખર્ચમાં જે ઘટાડો થશે તેનાથી ગ્રાહકોના હાથમાં ઈન્કમ વધશે. બચત થવાના કારણે લોકોની ખરીદ શક્તિ વધશે. પરિણામે વેપાર અને અર્થતંત્રને બહુ મોટું બુસ્ટ મળશે. ટેક્સમાં ઘટાડો કરવાથી લોકોની ટેક્સ ભરવાની વૃત્તિમાં વધારો થશે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ટેક્સ વધુ હોય તો લોકો તેની ચોરી કરવાની વૃત્તિ વધારે રાખે છે. ટેક્સમાં ઘટાડો કરવાથી લાંબાગાળે સરકારનો રેવન્યુ ગ્રોથ ચોક્કસથી થશે.

સામાન્ય લોકોની વાત કરીએ તો દૂધ અને દૂધની બનાવટની જે વસ્તુઓ પર ટેક્સ કાં તો નિઃશુલ્ક કરી નાખ્યો છે અથવા તો 5% કરી નાખ્યો છે. પરિણામે કમ્પોઝિટ ટેક્સ પણ લગભગ 5% થઈ જશે. કમ્પોઝિટ ટેક્સ એટલે કે કોઈ એક વસ્તુ બનાવવામાં બેથી ત્રણ વસ્તુ ભેગી થાય તો ત્રણેય અલગ-અલગ વસ્તુઓનો ટેક્સ ભેગો થઈને જે ટેક્સ બને તેને કમ્પોઝિટ ટેક્સ કહેવાય. ફૂડ આઈટમ પણ લગભગ બધી જ 5%ના સ્લેબમાં જતી રહી છે. જેના પરિણામે સામાન્ય લોકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે.

એગ્રીકલ્ચરમાં પણ મોટાભાગની વસ્તુઓ 18%ના સ્લેબમાંથી 5%ના સ્લેબમાં જતી રહી છે. જેનાથી મોટો ફાયદો થશે ખેડૂતોને પરિણામે સામાન્ય લોકોને પણ તેનો ફાયદો મળશે. એજ્યુકેશન સાથે જોડાયેલી વસ્તુઓને પણ કાં તો નિઃશુલ્ક કરી નાખવામાં આવી છે અથવા તો 5%ના સ્લેબમાં લાવવામાં આવી છે. એ પણ સામાન્ય લોકો માટે ફાયદાકારક જ વાત કહેવાય

ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ના સુધારાઓ ગ્રાહકો માટે કેવી રીતે લાભદાયી બની શકે છે?
GST-2.0ના સુધારામાં ઘણી બધી વસ્તુઓ 18% ટકામાંથી 5%માં જતી રહી છે. આથી ઘણી બધી વસ્તુઓમાં ફાઈનલ ટેક્સ સ્લેબ 5%માં આવી જશે. જેનાથી ગ્રાહકો કરતાં વેપારીઓને ઘણો બધો ફાયદો થશે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ધારો કે ઈન્વર્ટેડ હોય તો ગ્રાહકો પર તે ટેક્સ લઈ જવાની જે વૃત્તિ હોય છે તે ખતમ થઈ જશે. ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જેના ઉત્પાદનમાં મિનરલ, કેમિકલ, પ્લાસ્ટિક જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઘણી બધો કાચો માલ 18%ના સ્લેબમાં હશે. એટલે ઈન્વર્ટેડ ડ્યૂટિ સ્ટ્રક્ચર થશે અને બહુ મોટાપાયે થશે. જેનાથી ગ્રાહકોને ચોક્કસથી ફાયદો થવાનો છે. મેન્યુફેક્ચરર માટે પ્રશ્ન એ થવાનો છે કે કાચો માલ 18%માં લાવ્યા છે અને મુખ્ય વસ્તુનું વેચાણ 5%માં કરવાનું છે. રિફન્ડ લેવા માટે વેપારીએ વર્કિંગ કેપિટલ વધારે રાખવી પડશે. વર્કિંગ કેપિટલ વધારે રાખવા માટે વેપારી પર વ્યાજનો ભાર આવશે. આ ભાર તે ગ્રાહકો પર કેટલો ટ્રાન્સફર કરશે એ જોવાનું રહેશે.

GST સુધારામાં જે વસ્તુઓ નિઃશુલ્ક કરવામાં આવી છે જેમ કે વીમા પ્રીમિયમ (જેમ કે હેલ્થ અથવા લાઇફ ઇન્સ્યોરન્સ) તો શું ખરેખર તેમાં રાહત મળશે?
જ્યાં-જ્યાં ઈનપુટ ટેક્સ જ્યાં 18% હશે તે સેક્ટર ગ્રાહકોને કેટલું ટ્રાન્સફર કરે છે તે જોવાનું રહેશે. લાંબાગાળે જો કે ગ્રાહકોને ફાયદો થશે. ઈન્સયોરન્સને ઉદાહરણ લઈને સમજીએ તો તેમાં કેટલાંક ટેક્સ 5% હતા, જ્યારે અન્ય કેટલાંક 18%ના સ્લેબમાં હતા. હવે વીમા પ્રીમિયમ પર ટેક્સ નિઃશુલ્ક થઈ ગયો છે. પરંતુ વીમા કંપનીઓને સર્વિસ ટેક્સ 18%નો આવે. એ સિવાય તેમને બીજી કેટલીક વસ્તુઓ લાવવાનો ખર્ચ હોય, ઓફિસ ચલાવવાનો ખર્ચ હોય. હવે વીમા કંપનીઓની એટલી ITC(ઈનપુટ ટેક્સ ક્રેડિટ) પડી રહેશે. એ કંપની માટે કોસ્ટ ગણાય. આથી સો ટકા કંપનીઓ તેમના પ્રિમીયમમાં વધારો કરશે. કેટલો કરશે તે કંપનીએ ગણતરી કરવી પડે.

GST સુધારાઓમાં ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરનો સુધારો ગ્રાહકોના ખર્ચ પર કેવી અસર કરશે?

ઘણી બધી વસ્તુઓમાં ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર બનશે જ્યારે ઘણી બધી વસ્તુઓમાં ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર નીકળી પણ જશે. ઈન્સ્યોરન્સ, મેનુફેક્ચરિંગવાળી વસ્તુઓમાં ફાઈનલ પ્રોડક્ટ પર ટેક્સ ઓછો થઈ ગયો છે. પરંતુ વેપારીને ફાઈનલ પ્રોડક્ટ બનાવવા માટે તો અનેક વસ્તુઓ લાવવી પડે છે. જે અલગ-અલગ વસ્તુઓ પર કદાચ વેપારી અલગ-અલગ ટેક્સ ચૂકવતો હશે. આવા વેપારીઓએ ખરેખર તો બેનિફિટ તો ટ્રાન્સફર કરવો જ જોઈએ. પરંતુ વેપારીઓ ટ્રાન્સફર ન કરે તો, તેના માટે એન્ટ-પ્રોફિટિયરિંગ ઓથોરિટીનું એક પ્રોવિઝન સેક્શન 171માં જોગવાઈ કરેલી છે.

એન્ટી-પ્રોફિટિયરિંગ ઓથોરિટી શું છે, અને તે ગ્રાહકોને કેવી રીતે ટેક્સ ઘટાડાનો લાભ મળે તેની ખાતરી કરે છે?
આ ઓથોરિટી એપ્રિલ-2025માં બંધ કરવામાં આવી છે. એટલે હાલ પૂરતી તો કાર્યરત નથી. પહેલાં એક અલગ ઓથોરિટી રેવન્યુ ડિપાર્ટમેન્ટ હેઠળ જ હતી. સરકારે તેની કામગીરી કોમ્પિટિશન કમિશ્નર ઓફ ઈન્ડિયાને સોંપી દીધી હતી. પણ એમને પણ હેન્ડલિંગ કરવામાં મુશ્કેલી પડતી હતી. તો આ કામ GST એપિલેટ ટ્રિબ્યુનલને સોંપી દીધું હતું. જો કે ટ્રિબ્યુનલ તો હવે અસ્તિત્વમાં આવ્યા છે. એટલે તેમની પાસે ઘણું કામ પેન્ડિંગ પડ્યું છે. હાલ પૂરતું ગ્રાહકોને ટેક્સ ઘટાડાનો લાભ મળે છે કે નહીં તેની ખાતરી થઈ શકે તેમ નથી. ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર હોય તેવા ટેક્સમાં અને જેમાં રિફંડના ઈસ્યૂ આવતા હોય તેમાં ઓથોરિટીની જરૂર ખૂબ જ પડે છે. એવામાં આ પ્રકારની ઓથોરિટીને રિવાઈવ તો ચોક્કસથી કરવું જ જોઈએ એવું મારું માનવું છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)