મહિલાઓની બદલાતી પેઢી, જૂની અપેક્ષાઓ

“આજકાલની છોકરીઓને શું થઈ ગયું છે? કાંઈ કામ કરવા તૈયાર જ નથી! એક કામ કહો તો સો બહાનાં બનાવે!” નીતાબેન રસોડામાંથી બોલતાં બોલતાં બહાર આવ્યાં. એટલામાં દીકરો અનીવ અને પુત્રવધૂ કાવ્યા ઓફિસથી ઘરે પરત ફર્યાં. અનીવ સોફા પર પગ પસારી બેસી ગયો. કાવ્યા ફ્રેશ થઈને રસોડામાં ગઈ. સાસુના શબ્દો એના કાને પડ્યા હતા, પરંતુ ઘરમાં શાંતિ જળવાય માટે એ ચૂપ રહી.

કાવ્યા અને અનીવ બંને એક જ ઓફિસમાં કામ કરતા. સાથે જ આવતા-જતા. પરંતુ અનીવ ફક્ત નોકરી કરતો, જ્યારે કાવ્યાએ નોકરી ઉપરાંત ઘરની જવાબદારીઓ પણ નિભાવવી પડતી. લગ્નના બે વર્ષમાં જ એ કંટાળી ગઈ હતી. સાસુ-સસરા કે અનીવ લોકોના દાખલા આપીને ટોકતા રહેતા. એ કરે એ કોઈ જોતું નહીં, પરંતુ જો કંઈ ન કરે તો ઘણું સંભળાવવામાં આવતું.

એક દિવસ કાવ્યાએ અનીવને કહ્યું, “રોજ મમ્મી મારા વિશે બોલે છે, તમે કેમ કંઈ કહેતા નથી. હું નોકરી અને ઘર બંને સંભાળું છું, પણ તમારો સહકાર નથી.” અનીવે ગુસ્સે થઈને જવાબ આપ્યો, “કાવ્યા, તું એકલી નથી. મારી મમ્મી-દાદીએ પણ બધું સંભાળ્યું. ક્યારેય ફરિયાદ નથી કરી. મમ્મી હજુ પણ પપ્પાનું બધુ જ કામ કરે છે અને બધું સંભાળે છે, થાકની વાત નથી કરતાં. મમ્મી સાચું જ કહે છે, તને ફક્ત બહાનાં જ આવડે છે.”

કાવ્યા અનીવને એ સમજાવવામાં નિષ્ફળ રહી કે એ ઘર ઉપરાંત નોકરી પણ કરે છે, જ્યારે એની મમ્મી-દાદી ફક્ત ઘરનું કામ સંભાળતાં હતાં. પેઢી બદલાઈ ગઈ છે, દુનિયા ડિજિટલ અને ઝડપી બની છે, જીવનના માપદંડો બદલાઈ ગયા છે, પરંતુ સ્ત્રીઓ પ્રત્યેની અપેક્ષાઓ હજુ જૂની જ છે. “મમ્મીએ આવું કર્યું” કે “પહેલાની સ્ત્રીઓ સહન કરતી” જેવી તુલનાઓ દર્શાવે છે કે સ્ત્રીઓએ બદલાવ વગર બધું સહન કરવું જોઈએ.

સવાલ એ છે કે જ્યારે સમાજના બાકીના ક્ષેત્રો ટેક્નોલોજી, વ્યવસાય, જીવનશૈલી સતત અપડેટ થઈ રહ્યાં છે, ત્યારે સ્ત્રીઓની જીવનપદ્ધતિ અને એમના હક્કો કેમ જૂની વળગણમાં અટવાયેલા રહેવા જોઈએ? સ્ત્રી પણ એક વ્યક્તિ છે. પરંપરાનું પ્રતીક નહિ.

સ્ત્રીને  મહત્વ મળવું જોઈએ

જો સ્ત્રી અને પુરુષ બંને સમાન ગણાતા હોય અને દરેક જગ્યાએ ખભે ખભો મિલાવીને કામ કરી શકતા હોય તો ઘરમાં ફક્ત સ્ત્રીએ જ શા માટે બધું સંભાળવું જોઈએ? જેમ પુરુષને થાક લાગે છે, એમ સ્ત્રી પણ મનુષ્ય છે. એને પણ પોતાની ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને સગવડોનો હક છે. ઘરમાં સ્ત્રીને પણ એટલું જ મહત્વ મળવું જોઈએ.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્યુટિશિયન દર્શના રાવજી કહે છે કે, “હવે એવો સમય નથી કે સ્ત્રીએ ફક્ત ઘરનું કામ જ કરવું જોઈએ. એણે પોતાની ઈચ્છાઓ, આરોગ્ય અને શોખને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. હું એમ નથી કહેતી કે સ્ત્રીએ સ્વચ્છંદ બનવું જોઈએ કે પરિવારનું ધ્યાન ન રાખવું જોઈએ. પરિવારની જવાબદારી, સંસ્કારો અને વડીલોની સેવા ખૂબ જરૂરી છે. પરંતુ પોતાના ભોગે જીવન ન જીવાય. સ્ત્રીએ પોતાની સાથે સાથે પરિવારનું પણ ધ્યાન રાખવું જોઈએ, પરંતુ પોતાને ભૂલીને નહીં.”

દરેક સ્ત્રી જુદી હોય છે

દરેક વખતે કોઈ સ્ત્રી પોતાનાં મન, સ્વાસ્થ્ય કે સ્વતંત્રતા વિશે વાત કરે, ત્યારે એની સામે જૂના તર્કો અને તુલનાઓ લાવીને એને ચૂપ કરાવવાનો પ્રયાસ થાય છે. પરંતુ સમજવું  જરૂરી છે કે સમય બદલાયો છે. મહિલા હવે માત્ર ઘરની ગૃહિણી નથી રહી. એ પ્રોફેશનલ છે, ઉદ્યોગપતિ છે, શિક્ષક છે, ડોક્ટર છે, સેફ્ટી ઓફિસર છે, અને સૌથી પહેલા તો એ એક વ્યક્તિ છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ફિલાન્થ્રોપિસ્ટ અર્ચના જાની કહે છે કે, “હા, અમારી મા-દાદીઓએ ઘણું સહન કર્યું, પણ એ તે સમયની ફરજ હતી, પસંદગી નહોતી. આજની સ્ત્રી પાસે એ પસંદગી છે  કે એને શું સહન કરવું છે અને શું નહીં. માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વનું છે ઘણી વખતે, સ્ત્રીઓ માત્ર શારીરિક શ્રમ નહીં પણ લાગણી અને વિચારના સ્તરે પણ સતત દબાણ સહન કરતી હોય છે. “હવે તો આ બધું સહન કરવાની આદત પાડી લે.”  એ ખોટી સલાહ છે. સ્ત્રી પણ થાકી શકે છે, તૂટી પણ શકે છે, એને પણ આરામ અને સમજવાની જરૂર પડે છે. તુલના એ જ સમયે થાય છે, જ્યારે સ્વીકૃતિ નથી હોતી. “મમ્મી એ ચલાવ્યું તો તું કેમ નહીં?” એ કેવળ તુલના નથી  એ સ્ત્રીની સમસ્યાને નકારી નાખવાનો એક socially acceptable રસ્તો છે. દરેક સ્ત્રી જુદી હોય છે. દરેકની પરિસ્થિતિ,  સપનાંઓ અને સહનશક્તિ અલગ હોય છે.”

એ જૂની પ્રણાલીને આજે પણ સમાજ મૂર્તિમંત કરે છે

આજની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. ટેકનોલોજી, જીવનશૈલી, વ્યવહાર, સંબંધો બધું આગળ વધી રહ્યું છે. પણ દુઃખની વાત એ છે કે સ્ત્રીઓ પ્રત્યેની કેટલીક માનસિકતાઓ આજે પણ ત્યાં જ અટકી છે, જ્યાં દાયકાઓ પહેલાં હતી. આજે પણ સમાજ મોટાભાગે સ્ત્રીને એક ફરજરૂપ ભૂમિકા તરીકે જ જૂએ છે. વહુ તરીકે, પત્ની તરીકે, મા તરીકે. એના કામને, એના થાકને, એની ભાવનાઓને ઘણી વાર ઇગ્નોર કરવામાં આવે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એજ્યુકેશન લીડર નિરાલી ડગલી કહે છે કે, સદનસીબે મારા જીવનમાં આવી વ્યથા મારે સહન નથી કરવી પડી. મારાં મમ્મી, દાદી, સાસુમા બધા જ મને પહેલેથી ફુલ સપોટ કરતા આવ્યા છે. પરંતુ હા, મારી આસપાસ અનેક એવી મહિલાઓ, દીકરીઓ જોઈ છે જેમને સાંભળવું પડે છે કે, પહેલા તો મહિલાઓ આ કરતી તો તમે કેમ નહીં. વર્ષો પહેલાં જે રીતે ઘરની સ્ત્રીઓ માત્ર ગૃહકાર્યમાં જ જોડાયેલી રહેતી, એ જૂની પ્રણાલીને આજે પણ સમાજ મૂર્તિમંત કરે છે. મહિલાઓ માટેના ધોરણો આજે પણ એટલા જ અસમાન છે  જ્યાં માણસના થાકને સમજાવાય છે, ત્યાં સ્ત્રીના થાકને બહાનું કહેવાય છે. જો કે આ બંધનને મહિલાઓએ જાતે જ તોડવુ પડશે. કારણ કે મહિલાઓએ જ મહિલાઓને સહકાર આપવો પડશે.

હેતલ રાવ