એડવર્ટાઈઝિંગ કંપનીમાં હેડ તરીકે કામ કરતી રીવાને આજે ફરી ઓફિસ પહોંચવામાં થોડું મોડું થયું. આરવી હજી નાની હોવાથી એને સંભાળવી, ઘરનું કામ અને ઓફિસ આ બધું એકલા હાથે મેનેજ કરવું એના માટે પડકારરૂપ હતું. પતિ કાર્તિક મદદ કરે, બંને સમયનું સેટીંગ કરી આરવીને ઉછેળતા.
છતાં રીવાના ભાગે જવાબદારી થોજી વધારે જ આવતી. તેમ છતાં, એ પોતાના કામમાં હંમેશા સો ટકા પર્ફોર્મન્સ આપતી.
બોસ એના કામથી અત્યંત સંતુષ્ટ હતા. પરંતુ ઓફિસમાં અમુક સ્ટાફ સ્ટાફ રીવા પ્રત્યે અંદરખાને નારાજગી રાખે ગણગણાટ પણ કરે, “મેડમ તો પોતાની ઇચ્છાથી આવે અને ઇચ્છાથી જાય, એમને કોઈ બોલનાર જ નથી.” પણ કોઈ એ ન જોતું કે રીવા મોડી રાત સુધી ઘરે બેસીને પોતાનું કામ પૂર્ણ કરતી, ઘણીવાર ઓવરટાઈમ પણ કરતી.
એક દિવસ કાર્તિકને કામસર બહાર જવું પડ્યું, ત્યારે રીવા પાસે આરવીને ઓફિસમાં લઈને જવા સિવાય બીજો વિકલ્પ ન રહ્યો. એણે સર સાથે વાત કરી અને પરમીશન પણ મળી ગઈ, પરંતુ ઓફિસના કેટલાક લોકો તરત જ ગણગણાટ શરૂ કરી દીધો. હકીકતમાં રીવાને આ વાતોથી કોઈ ફેર પડતો નહોતો એ માત્ર પોતાના કામ પર જ ધ્યાન રાખતી. એ જ કારણથી કંપનીને સતત લાભ થતો.

અંતે બોસે જ ઓફીસમાં લોકોને સ્પષ્ટ કહી દીધું, “પહેલા રીવાના જેટલું કામ કરો, પછી પાછળથી બિનજરૂરી વાતો કરજો.”
અલબત્ત રીવા માટે એ દિવસો અત્યંત કઠિન હતા. કામનું દબાણ તો સંભાળી લેતી, પરંતુ લોકોની ખોટી ચર્ચાઓ અને ટોક્સિક વાતાવરણથી એનું મન વ્યથિત થતું. પોતાની નિષ્ઠા હોવા છતાં, ઓફિસ કેટલાંક લોકોના વર્તનથી તેના માટે વર્કપ્લેસ ટોક્સિક બની ગયું હતું.
મહિલાઓ અનેક ટીપ્પણીનો રોજબરોજ સામનો કરે છે
મહિલાઓના સમ્માનની વાત તો થાય છે, એમને વિશેષ માનવામાં આવે છે. પરંતુ સાથે સાથે અનેક વર્ક પ્લેસ એમની માટે ટોક્સિક વર્કપ્લેસ બની રહ્યા છે. ઘણી વખત મહિલાઓએ એ સાંભળવું પડે છે કે, નોકરી કરતા પહેલા વિચારવું જોઈએને, નોકરી પણ કરવી છે
અને મહિલા તરીકે બેનીફીટ પણ જોઈએ છે. જો પુરુષ અને સ્ત્રીની સમાનતાની વાત છે તો પછી મહિલાઓ શું કામ વર્કપ્લેસ પર કે પછી જાહેર જીવનમાં પોતાની માટે છૂટછાટ વધારે રાખવામાં આવે એવી અપેક્ષા રાખે છે, આ રીતની અનેક ટીપ્પણીનો મહિલાઓ રોજબરોજ સામનો કરે છે. ઘરમાં પણ એમને કહેવામાં આવે છે કે નોકરી કરો એનો અર્થ એ નહીં કે અન્ય જવાબદારી નહીં નીભાવવાની. હકીકતમાં મહિલાઓ આજે ટોક્સિક એન્વાયર્નમેન્ટથી પિડાઈ રહી છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં એમટીએમ (મલ્ટી ટાસ્કિંગ મમ્મીસ)ના ફાઉન્ડર વૈશાલી વૈષ્ણવ કહે છે કે, “હું અનેક ઓર્ગેનાઈઝેશન સાથે કામ કરું છું. વુમન એમ્પાવરમેન્ટમાં આપણે ખૂબ આગળ આવ્યા છીએ, મહિલાઓ એન્ટરપ્રિન્યોર તરીકે આગળ વધી રહી છે અને ઘરના સપોર્ટમાં પણ વધારો થયો છે. પણ ટોક્સિક વર્કિંગ કલ્ચર અને ટોક્સિક એન્વાયર્નમેન્ટ આ બંને આજે પણ હકીકતમાં અસ્તિત્વમાં છે. ઓર્ગેનાઈઝેશન્સ કર્મચારીના પરફોર્મન્સનું રિવ્યુ કરે છે, તો કર્મચારીઓ પણ એના વર્કપ્લેસનું રિવ્યુ કરી શકે એવી કોઈ સ્વતંત્ર બોડી હોવી જોઈએ. મહિલાઓને સેફ વર્કપ્લેસ અને ખુલ્લેઆમ વાત કરી શકે એવું પ્લેટફોર્મ મળવું ખૂબ જરૂરી છે. જેથી એમની માનસિક હેલ્થ સારી રહે.”
મહિલા કર્મચારીઓ માટે કાર્યસ્થળ વધુ પડકારજનક
મહિલાઓ વિશેષ માન સન્માન નહીં પણ એક માનવ તરીકે સમાન અને ન્યાયી વર્તનની અપેક્ષા રાખે છે. ટોક્સિક વાતાવરણનો અંત ત્યારે જ આવશે જયારે સમાજ અને કાર્યસ્થળ બંને જગ્યા એ મહિલાઓની મહેનત, એમની
કાર્યક્ષમતાઓ અને એમના યોગદાનને પૂર્વગ્રહ વગર સ્વીકારવામાં આવશે.
માહિતી આયોગના લીગલ આસિસ્ટન્ટ વૈદેહી મોદી ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં કહે છે કે, “મહિલાઓને યોગ્ય અને સ્વસ્થ કાર્યપરિસ્થિતિ મળે એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, પરંતુ લોકોની વિચારસરણી આજે પણ પૂર્ણ રીતે બદલાઈ નથી. સ્ત્રી કોઈપણ ઊંચા હોદ્દા પર હોય એને હજી પણ ઘણી વખત નીચી નજરે જોવામાં આવે છે, આ કારણે ઘણું અનુચિત વર્તન સહન કરવું પડે છે. ટોક્સિક વર્કપ્લેસ અને ટોક્સિક એન્વાયરમેન્ટ માત્ર મહિલાઓને માનસિક રીતે થકવતું નથી, પરંતુ એમને પોતાની ક્ષમતાથી ઓછી માનવામાં પણ દબાણ કરે છે. અયોગ્ય ટિપ્પણીઓ, છુપાયેલી અવગણના અને અનૂકુળ ન હોય એવું વાતાવરણ, આ બધું મળીને મહિલા કર્મચારીઓ માટે કાર્યસ્થળને વધુ પડકારજનક બનાવે છે.”
મહિલાઓ છૂટછાટ નહીં પરંતુ ફ્લેક્સિબિલિટીની અપેક્ષા રાખે છે
આ મુદ્દાઓ સમગ્ર ભારતમાં અને વિશ્વ ભરમાં ઘણી કાર્યકારી મહિલાઓ દ્વારા અનુભવાયેલી જટિલ વાસ્તવિકતા છે.
મહિલાઓ ક્યારેય સન્માન અને વિશેષ દરજ્જાની અપેક્ષા રાખતી નથી. પરંતુ હંમેશા કાર્યસ્થળે અને જાહેર જીવનમાં સમાન તક, ન્યાયી વ્યવહાર અને સલામત વાતાવરણની અપેક્ષા રાખે છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા શિક્ષક વૈશાલી પ્રશાંત રાઠોડ કહે છે કે, મહિલાઓ ને હંમેશા ટોક્સિક વાતાવરણનો સામનો કરવો પડતો હોય છે, જેમ કે, નોકરી કરતા પહેલા વિચારવું જોઈએને- નોકરી કરવી કે ન કરવી એ સ્ત્રીની પસંદગી છે, જ્યારે પુરુષ માટે એ એક ફરજ છે આ માનસિકતા મહિલાઓની આર્થિક સ્વતંત્રતાની જરૂરિયાત અને એમની કારકિર્દીની મહત્વકાંક્ષાને ઓછી આંકે છે. મહિલાઓ છૂટછાટ નહીં પરંતુ ફ્લેક્સિબિલિટીની અપેક્ષા રાખે છે.
| શું છે ટોક્સિક વર્કપ્લેસ એન્વાયર્નમેન્ટ?
મહિલાઓ માટે જ્યાં નકારાત્મકતા, પક્ષપાત અને અનાદરનું વાતાવરણ હોય છે. ઓફિસમાં બોસ કે અન્ય સહકર્મી ટીકા દ્વારા મહિલાઓ પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરે છે. એવું કાર્યસ્થળ જ્યાં દરેક કર્મચારીને સમાનતાનો અનુભવ કરાવવામાં નથી આવતો. મહિલા હોવાના કારણે કામ કરતી હોય છતાં પણ ભેદભાવ કે ઓફિસ પોલીટીક્સનો ભોગ બનવું પડે. આવા વાતાવરણમાં, કોઈ પણ વ્યક્તિ ધીમે ધીમે પોતાને એકલું સમજે છે. એનો આત્મવિશ્વાસ ઓછો થાય, દરરોજ માનસિક સ્થિતી સાથે લડત લડે. જેના કારણે તણાવ, હતાશા, બર્નઆઉટ અને અય શારીરિક સમસ્યાઓ પણ થઈ શકે છે. જો કે, ઘણી વખત આવી પરિસ્થિતિમાંથી પસાર થતી મહિલાઓને એ પણ જાણ નથી હોતી કે એ ટોક્સિક વર્કપ્લેસ એન્વાયર્નમેન્ટના બોજા હેઠલ છે. |
હેતલ રાવ




