દુનિયાના સૌથી પ્રસિદ્ધ અને ભવ્ય સ્મારકો માત્ર પથ્થર, ચૂના કે લોખંડના નિર્જીવ ઢાંચા નથી, પણ એની પાછળ કોઈ મહત્વાકાંક્ષી
શાસકનું ઝનૂન, સામ્રાજ્યનો વૈભવ કે પછી કોઈ કલાકાર-આર્કિટેક્ટની આખી જિંદગીનું સપનું અને અથાક માનવીય સંઘર્ષ છુપાયેલા છે.
સદીઓ વીતી ગયા પછી પણ આ અજાયબીઓ અડીખમ ઊભી રહીને માનવ ઈચ્છાશક્તિ અને ઈજનેરી કૌશલ્યની સાક્ષી પૂરે છે. સ્મારકના નામોથી તો સૌ કોઈ પરિચિત છે, પરંતુ એના અસલ સર્જક કોણ હતા અને કયા સંજોગોમાં એનું નિર્માણ થયું એ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. વાત કરીએ આવા જ કેટલાક સ્મારકો અને એમના સર્જકઓની…
એફિલ ટાવર, ગુસ્તાવ એફેલની કંપની (પેરિસ, ફ્રાન્સ)

પેરિસનું નામ પડતાં જ એફિલ ટાવર સૌની નજર સામે આવી જાય છે, પરંતુ એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે તેને માત્ર 20 વર્ષ માટે જ આ ટાવર બનાવવામાં આવ્યો હતો. ઈ.સ. 1889ની ફ્રેન્ચ ક્રાંતિની શતાબ્દી નિમિત્તે યોજાયેલા વર્લ્ડ એક્સપોઝિશન માટે ગુસ્તાવ એફેલની કંપનીએ માત્ર 2 વર્ષ, 2 મહિના અને 5 દિવસના રેકોર્ડ સમયમાં 18 હજારથી વધુ લોખંડના ટુકડાઓ જોડીને આ ટાવર ઊભો કર્યો હતો. શરૂઆતમાં પેરિસના બુદ્ધિજીવીઓ અને કલાકારોએ એને ‘વિશાળ કાળી ચીમની’ કહીને તોડી પાડવાની માંગ કરી હતી, પરંતુ સમય જતાં રેડિયો એન્ટેના તરીકે ઉપયોગી સાબિત થતાં એ બચી ગયો. જે આજે ફ્રાન્સની કાયમી ઓળખ બની ગયો છે.
હાજિયા સોફિયા, સમ્રાટ જસ્ટિનિયન પહેલા (ઈસ્તાંબુલ, તુર્કી)

ઈસ્તાંબુલની ઓળખ સમાન હાજિયા સોફિયાના ગુંબજની ભવ્યતા જગજાહેર છે, પણ એ કોઈ સામાન્ય ઈમારત નથી. બાયઝેન્ટાઇન સામ્રાજ્યના સમ્રાટ જસ્ટિનિયન પહેલાએ ઈ.સ. 532માં ‘નિકા રમખાણો’માં જૂનું ચર્ચ બળી ગયા બાદ પોતાની સત્તા સાબિત કરવા માત્ર પાંચ વર્ષ અને 10 મહિનામાં (ઈ.સ. 537) આ ભવ્ય સ્થાપત્ય તૈયાર કરાવ્યું હતું. ગણિતશાસ્ત્રી ઇસિડોર અને એન્થેમિયસે બનાવેલો આ ગુંબજ એટલો અદ્ભુત હતો કે લોકો માનતા કે એ સ્વર્ગમાંથી સોનાની સાંકળ વડે લટકે છે. 1453માં ઓટોમન શાસન આવતાં એને મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું.
અંગકોર વાટ, રાજા સૂર્યવર્મન બીજા (સિએમ રીપ, કંબોડિયા)

વિશ્વના સૌથી મોટા ધાર્મિક સંકુલ તરીકે અંગકોર વાટ જાણીતું છે, પણ ઘણા લોકો માને છે કે એ મૂળ બૌદ્ધ મંદિર હતું. હકીકતમાં 12મી સદીની શરૂઆતમાં ખ્મેર સામ્રાજ્યના હિન્દુ રાજા સૂર્યવર્મન બીજાએ ભગવાન વિષ્ણુને સમર્પિત કરવા અને પૌરાણિક ‘મેરુ પર્વત’ની પ્રતિકૃતિ પૃથ્વી પર ઉતારવા માટે 400 એકરમાં આ મંદિર બનાવડાવ્યું હતું. 50 કિલોમીટર દૂરથી લાખો ટન રેતીયા પથ્થરો નહેરો અને તરાપા મારફતે લાવીને આ અજાયબી ઊભી કરાઈ હતી, જે સદીઓ પછી બૌદ્ધ ધર્મનું કેન્દ્ર બન્યું.
ફોરબિડ્ડએન સિટી, યોંગલે સમ્રાટ (બેઇજિંગ, ચીન)

ચીનની પ્રાચીન અજાયબીઓમાં ફોરબિડ્ડન સિટી મોખરે છે, પરંતુ એની રચના પાછળ એક સમ્રાટની કલ્પના અને 10 લાખ મજૂરોનો પરસેવો જોડાયેલો છે. મિંગ રાજવંશના યોંગલે સમ્રાટે રાજધાની બેઇજિંગ ખસેડ્યા બાદ ઈ.સ. 1406થી 1420 દરમિયાન 9,999 ઓરડાઓ ધરાવતી આ રહસ્યમય નગરી બનાવી હતી. આ સમગ્ર મહેલ લાકડાના ખાસ જોઈન્ટ્સ (ડોગોંગ) વડે એક પણ લોખંડની ખીલી વાપર્યા વગર બનાવાયો છે, જે સેંકડો વર્ષોથી મોટા ભૂકંપો સામે પણ અડીખમ ઊભો છે.
માચુ પિચ્ચુ, સમ્રાટ પચાકુટી (એન્ડીસ પર્વતમાળા, પેરુ)

વાદળોની વચ્ચે વસેલા આ રહસ્યમય પહાડી શહેરની સુંદરતા તો બધા જુએ છે, પણ કોઈ એ નથી જાણતું કે ઇન્કાઓએ પૈડાં કે લોખંડના સાધનો વગર આ અજાયબી કેવી રીતે બનાવી. ઈ.સ. 1450માં ઇન્કા સમ્રાટ પચાકુટીએ સમુદ્ર સપાટીથી 2,430 મીટરની ઊંચાઈએ પર્વતોની ટોચ પર આ શાહી નગર વસાવ્યું હતું. સિમેન્ટ કે ચૂના વગર પથ્થરોને એવી અદભુત ચોકસાઈથી જોડવામાં આવ્યા છે કે બે પથ્થર વચ્ચે બ્લેડ પણ નથી જઈ શકતી. સ્પેનિશ આક્રમણ બાદ સદીઓ સુધી આ શહેર જંગલોમાં છુપાયેલું રહ્યું અને છેક 1911માં દુનિયા સામે આવ્યું.
|
ભારતના સ્મારકો અને એમના સર્જકો
ભારતના પ્રાચીન સ્થાપત્યોની ભવ્યતાથી તો સૌ કોઈ પરિચિત છે, પરંતુ એનું સર્જન કરાવનારા વાસ્તવિક શાસકો અને એમની અસાધારણ દૃષ્ટિ વિશે બહુ ઓછા લોકો જાણે છે. જેમ કે, ઈલોરાના વિશ્વપ્રસિદ્ધ કૈલાશ મંદિરની શિલ્પકળા જગજાહેર છે, પરંતુ આખા પહાડને ઉપરથી નીચે તરફ માત્ર હથોડી-છીણીથી કોતરાવીને 2 લાખ ટન પથ્થર હટાવવાનો સાહસિક નિર્ણય 8મી સદીના રાષ્ટ્રકૂટ વંશના પ્રતાપી રાજા કૃષ્ણ પહેલાનો હતો. એવી જ રીતે, તમિલનાડુના ભવ્ય બૃહદેશ્વર મંદિરની ગણના દેશના શ્રેષ્ઠ મંદિરોમાં થાય છે, પણ એના શિખર પર ક્રેન વગર 216 ફૂટની ઊંચાઈએ 80 ટનનો અખંડ પથ્થર ચડાવવા માટે 6 કિલોમીટર લાંબો ઢાળવાળો માર્ગ બનાવડાવનાર ચોલ સમ્રાટ રાજરાજ ચોલ પહેલાની કુનેહથી મોટાભાગના લોકો અજાણ છે. આ ઉપરાંત, જમીનને સ્પર્શ્યા વિના હવામાં લટકતા સ્તંભ માટે પ્રખ્યાત આંધ્રપ્રદેશના લેપાક્ષી (વીરભદ્ર) મંદિરનું રહસ્ય તો સૌ જાણે છે, પણ 16મી સદીમાં વિજયનગર સામ્રાજ્યના રાજા અચ્યુતદેવ રાયના દરબારી વિરુપન્ના અને એમના ભાઈ વીરન્નાએ આ અજાયબીનું નિર્માણ કરાવ્યું હતું એ ઇતિહાસના પાનાઓમાં છુપાયેલું છે. આ ઉપરાંત પણ ભારતમાં અનેક આવા ઐતિહાસિક સ્થળો અને અદભુત સ્મારકો આવેલા છે, જેની પાછળ મહાન શાસકોના વિઝન અને કારીગરોના અથાક પરિશ્રમની આવી જ અજાણી ગાથાઓ જોડાયેલી છે. |
હેતલ રાવ





