વિશ્વના સૌથી નાના ઘરોની અનોખી દુનિયા…

ઘર એટલે માત્ર વિશાળ બંગલા કે ઊંચી ઇમારતો જ નહીં, પરંતુ વાસ્તુશિલ્પની અનોખી કલ્પના અને જગ્યાના સ્માર્ટ આયોજનનો પરિચય પણ છે. દુનિયાભરમાં એવાં અનેક મકાનો આવેલાં છે જે સામાન્ય ઘર કરતાં કદમાં અત્યંત નાના હોવા છતાં એમની રચના, ઇતિહાસ અને વિશિષ્ટતાને કારણે વૈશ્વિક સ્તરે જાણીતા થયાં છે.

જગ્યાની તીવ્ર અછત, વિરોધ દર્શાવવા, ખાલી જગ્યાના સર્જનાત્મક ઉપયોગ કે પછી પ્રાયોગિક આર્કિટેક્ચરના ભાગરૂપે બનેલાં આ લઘુતમ ઘરો આજે વિશ્વભરના લોકો અને પ્રવાસીઓ માટે અચરજનું કેન્દ્ર બન્યાં છે.

વાત કરીએ વિશ્વના સૌથી નાના, વિશિષ્ટ ઘરો વિશે…

ધ ક્વે હોઉસ, કોનવી, યુકે

ઉત્તર વેલ્સના કોનવી હાર્બર ખાતે આવેલું ‘ધ ક્વે હોઉસ’ ગ્રેટ બ્રિટનનું સૌથી નાનું ઘર ગણાય છે. આ લાલ રંગનું નાનકડું ઘર માત્ર 6 ફૂટ પહોળું, 10 ફૂટ ઊંચું અને અંદાજે 5.4 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. 16મી સદીમાં દરિયાકિનારે બે મોટી ઇમારતો વચ્ચે ખાલી પડેલી સાંકડી જગ્યામાં આ ઘર બાંધી દેવાયું હતું. આ ઘરમાં નીચે ચૂલો અને ઉપરના માળે નાનકડો બેડરૂમ હતો. વર્ષ 1900 સુધી તેમાં રોબર્ટ જોન્સ નામનો 6 ફૂટ 3 ઇંચ ઊંચો માછીમાર રહેતો હતો. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલું આ ઘર આજે એક અત્યંત લોકપ્રિય પ્રવાસી આકર્ષણ છે, જેને જોવા દેશ-વિદેશથી હજારો લોકો આવે છે.

કેરેટ હોઉસ, વોર્સો,પોલેન્ડ

પોલેન્ડની રાજધાની વોર્સોમાં બનેલું ‘કેરેટ હોઉસ’ વિશ્વના સૌથી સાંકડા ઘરોમાંનું એક છે. આ ઘર સૌથી સાંકડી જગ્યાએ માત્ર 92 સેન્ટિમીટર (3 ફૂટ) અને સૌથી પહોળી જગ્યાએ 152 સેન્ટિમીટર (5 ફૂટ) છે. પોલિશ આર્કિટેક્ટ જાકુબ શેસ્ની દ્વારા બે અલગ-અલગ યુગની વિશાળ ઇમારતો વચ્ચેની નિર્જન ગલીનો ઉપયોગ કરવા માટે આ આર્ટ ઇન્સ્ટોલેશન અને રહેઠાણ તૈયાર કરાયું હતું. લોખંડના માળખા પર બનેલા આ 2 માળના ઘરમાં બેડરૂમ, કિચન, બાથરૂમ અને ટેબલ બધું જ ઊભી જગ્યાના આયોજનથી ગોઠવાયેલું છે. અહીં વિશ્વભરના લેખકો અને કલાકારો કામચલાઉ નિવાસ માટે આવે છે.

ધ સ્પાઇટ હાઉસ, એલેક્ઝાન્ડ્રિયા,યુએસએ

અમેરિકાના વર્જિનિયા રાજ્યના ઓલ્ડ ટાઉન એલેક્ઝાન્ડ્રિયામાં આવેલું ‘ધ સ્પાઇટ હાઉસ’ માત્ર 7 ફૂટ પહોળું અને લગભગ 325 ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવતું ઐતિહાસિક ઘર છે. વર્ષ 1830માં જોન હોલેન્સબર્ગર નામના વ્યક્તિએ પોતાના ઘરની બાજુની સાંકડી ગલીમાંથી વાહનો, ઘોડાગાડીઓ અને લોકોની અવરજવર તથા ઘોંઘાટ કાયમ માટે રોકવા માટે બંને તરફની દીવાલોનો ઉપયોગ કરીને આ ઘર બનાવી દીધું હતું. આ કારણથી એને ‘સ્પાઇટ હાઉસ’ નામ મળ્યું. અમેરિકાના સૌથી જૂના અને સાંકડા ઘરોમાંનું આ એક છે, જે આજે પણ સંપૂર્ણ રહેવાલાયક સ્થિતિમાં સચવાયેલું છે.

ધ લિટલ હાઉસ, ટોરોન્ટો,કેનેડા

કેનેડાના ટોરોન્ટો શહેરમાં આવેલું ‘ધ લિટલ હાઉસ’ ઉત્તર અમેરિકાના સૌથી નાના ઘરોમાં જાણીતું છે. આ ઘરની પહોળાઈ માત્ર 7.25 ફૂટ અને કુલ વિસ્તાર આશરે 312 ચોરસ ફૂટ છે. વર્ષ 1912માં કોન્ટ્રાક્ટર આર્થર વેહબલે જોયું કે બે મકાનો વચ્ચે રસ્તા માટે છોડાયેલી જગ્યા વણવપરાયેલી પડી રહી છે, એથી એણે ત્યાં જ આ સિંગલ સ્ટોરી ઘર ઊભું કરી દીધું. બહારથી રમકડા જેવું નાનું દેખાતું હોવા છતાં, અંદર લિવિંગ રૂમ, સંપૂર્ણ રસોડું, બાથરૂમ અને બેડરૂમ જેવી તમામ મૂળભૂત સુવિધાઓ ખૂબ જ સુંદર રીતે સમાવવામાં આવી છે. આ ઘર ઘણાં ટીવી શો અને આર્કિટેક્ચરલ મેગેઝિનોમાં સ્થાન પામી ચૂક્યું છે.

બુરાડી, દિલ્હી,ભારત

ભારતની રાજધાની દિલ્હીના બુરાડી, સંત નગર વિસ્તારમાં આવેલું આ અનોખું મકાન માત્ર 6 ફૂટ પહોળું અને 50 ફૂટ લાંબું છે. જમીનના ભાગલા પડતાં માલિક પાસે માત્ર 6 ફૂટ પહોળો સાંકડો પટ્ટો બચ્યો હતો. મોંઘી જમીન ઓછી કિંમતે વેચવાને બદલે એમણે સ્થાપત્યની અદભુત સમજ દાખવીને આ જગ્યામાં જ ત્રણ માળનું મકાન ઊભું કરી દીધું. આ ઘરમાં સાંકડી સીડીઓ, બેડરૂમ, કિચન, બાથરૂમ અને બાલ્કનીનું સ્માર્ટ મેનેજમેન્ટ કરાયું છે. ભારતનું આ સૌથી સાંકડું ઘર મીડિયામાં ખૂબ ચર્ચાયું છે અને સ્થાપત્યના વિદ્યાર્થીઓ તથા સામાન્ય મુલાકાતીઓ માટે એ આશ્ચર્યનું કેન્દ્ર બન્યું છે.

હેતલ રાવ