નફા સાથે નૈતિકતા: સંચાલનની નવી દિશા…

અંતઃકરણની શુદ્ધિ માત્ર ધાર્મિક અથવા આધ્યાત્મિક વિચાર નથી, પરંતુ સંચાલન અને માનવ વર્તનની આધારશિલા છે, અને ભગવદ્ ગીતા અધ્યાય 16માં દૈવી અને આસુરી ગુણોની જે સ્પષ્ટ ચર્ચા કરવામાં આવે છે, તે આજના કોર્પોરેટ અને સામાજિક જીવન માટે નૈતિક દિશાસૂચક બની જાય છે, કારણ કે આધુનિક યુગમાં સફળતા ઘણીવાર આંકડા, ગ્રાફ અને બજારહિસ્સા દ્વારા માપવામાં આવે છે, પરંતુ સફળતાની પાછળ રહેલા ઉદ્દેશ અને સાધનો પર ઓછું ધ્યાન આપવામાં આવે છે.

એક શુદ્ધ મન અને પવિત્ર ઉદ્દેશ વિના લેવાયેલા નિર્ણયો તરત પરિણામ આપી શકે છે, પરંતુ લાંબા ગાળે તે વિશ્વાસને ખંડિત કરે છે, અને જ્યાં વિશ્વાસ તૂટે છે, ત્યાં સંસ્થાની સંસ્કૃતિ પણ ધીમે ધીમે ખંડિત થવા લાગે છે.

આજના માનવ વર્તનમાં આપણે ઘણીવાર બાહ્ય છબી પર ભાર મૂકીએ છીએ, બ્રાન્ડ, પ્રોફાઇલ અને પ્રેઝન્ટેશનમાં પોતાની શ્રેષ્ઠતા દર્શાવીએ છીએ, પરંતુ આંતરિક મૂલ્યો, ઈમાનદારી અને સંવેદનશીલતા પર ઓછું કામ કરીએ છીએ, અને આ જ વિસંગતિ કાર્યસ્થળે તણાવ, અસંતોષ અને અસમાનતાને જન્મ આપે છે. ગીતા દૈવી ગુણોની વાત કરે છે, જેમ કે નિર્ભયતા, સંયમ, દાનભાવ અને કરુણા, તે માત્ર વ્યક્તિગત જીવનને નહીં, પરંતુ સંસ્થાની નીતિ અને નેતૃત્વને પણ માનવીય બનાવે છે.

કોર્પોરેટ જગતમાં જ્યારે લીડર પારદર્શકતા, ન્યાય અને જવાબદારીને પોતાની કાર્યશૈલીનો ભાગ બનાવે છે, ત્યારે કર્મચારીઓ માત્ર નિયમોનું પાલન નહીં, પરંતુ મૂલ્યોનું અનુસરણ કરે છે. આજના ઝડપી અને સ્પર્ધાત્મક વાતાવરણમાં ઘણીવાર “જે યોગ્ય છે” અને “જે લાભદાયક છે” વચ્ચે સંઘર્ષ થાય છે, અને અહીં અંતઃકરણની શુદ્ધિ જ સાચો માર્ગદર્શક બને છે. અંતે, એવી સંસ્થા જ લાંબા ગાળે ટકી શકે છે, જે નફા સાથે સાથે નૈતિકતાને પણ પોતાની વ્યૂહરચનાનો અવિભાજ્ય ભાગ બનાવે છે, કારણ કે શૂદ્ધ મનથી લીધેલા નિર્ણયો માત્ર સફળતા નહીં, પરંતુ સમાજમાં વિશ્વાસ અને માન પણ સર્જે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)