દ્રષ્ટિકોણમાં પરિવર્તન…

દ્રષ્ટિકોણમાં પરિવર્તન માત્ર વિચાર બદલવાનો વિષય નથી, પરંતુ જીવન અને કાર્ય કરવાની સમગ્ર પદ્ધતિમાં આંતરિક પરિવર્તન લાવવાની પ્રક્રિયા છે.

ભગવદ્ ગીતાના અધ્યાય ૬ના શ્લોક ૫માં શ્રીકૃષ્ણ કહે છે—

“उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् |

आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन: ||”

એટલે કે વ્યક્તિએ પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ; કારણ કે માણસ પોતાનો મિત્ર પણ બની શકે છે અને પોતાનો શત્રુ પણ. આજના સમયમાં આ વિચાર અત્યંત પ્રાસંગિક બની ગયો છે, ખાસ કરીને ત્યારે જ્યારે લોકો પોતાના નિષ્ફળતાઓ માટે પરિસ્થિતિ, સમાજ, પરિવાર કે સિસ્ટમને જવાબદાર ઠેરવવાની આદત પાળી રહ્યા છે.

ગીતાનો આ શ્લોક આપણને એક નવી દિશા આપે છે—જીવન બદલવું હોય તો પહેલા દ્રષ્ટિકોણ બદલવો પડે. આજના કોર્પોરેટ વર્લ્ડમાં પણ આ વિચાર મેનેજમેન્ટનો મૂળભૂત સિદ્ધાંત બની ગયો છે. કોઈપણ સંસ્થા બહારની સ્પર્ધાથી નહીં, પરંતુ અંદરની નિષ્ક્રિયતાથી વધુ હારે છે. ઘણી કંપનીઓ બજારને દોષ આપે છે, પરંતુ પોતાની અંદરની નવીનતા, સ્વવિકાસ અને તાલીમની ઉણપ તરફ નજર નથી કરતી.

આજના સફળ કોર્પોરેટ લીડર્સ એ જ છે જે પોતાની ટીમમાં ‘Self-Driven Culture’ વિકસાવે છે—જ્યાં દરેક કર્મચારી પોતાની જવાબદારીને માત્ર નોકરી નહીં, પરંતુ પોતાના વિકાસ સાથે જોડે છે. ઉદાહરણ તરીકે, ઘણી વૈશ્વિક કંપનીઓ હવે કર્મચારીઓને સતત નવી સ્કિલ્સ શીખવા માટે પ્રોત્સાહિત કરે છે, કારણ કે તેઓ સમજી ગયા છે કે જે વ્યક્તિ પોતાનો વિકાસ પોતે નથી કરતો, તેને દુનિયાની કોઈ પણ ટ્રેનિંગ લાંબા સમય સુધી આગળ લઈ જઈ શકતી નથી.

આજના માનવ વર્તનમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે લોકો સતત પ્રેરણાત્મક વિડિયો, પુસ્તકો અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ જોતા રહે છે, પરંતુ જીવનમાં પરિવર્તન ઓછું આવે છે. કારણ કે પ્રેરણા બહારથી મળી શકે, પરંતુ પરિવર્તન અંદરથી જ જન્મે છે. નવી દ્રષ્ટિએ જોવામાં આવે તો આત્મનિર્ભરતા માત્ર આર્થિક સ્વતંત્રતા નથી; તે માનસિક અને ભાવનાત્મક સ્વતંત્રતા પણ છે. જ્યારે વ્યક્તિ પોતાના નિર્ણયો માટે જવાબદારી સ્વીકારે છે, ત્યારે તે વધુ મજબૂત બને છે.

સાચો મેનેજર કે લીડર એ નથી જે માત્ર ટીમને માર્ગ બતાવે; સાચો લીડર એ છે જે પોતાના જીવનથી ઉદાહરણ આપે કે સ્વવિકાસ સતત પ્રક્રિયા છે. ગીતાનો આ શ્લોક આપણને સમજાવે છે કે સફળતા માટે માર્ગદર્શકો, મિત્રો અને સહયોગીઓ મહત્વપૂર્ણ છે, પરંતુ અંતે ચાલવું તો પોતાને જ પડે. કારણ કે જીવનમાં સૌથી મોટો પરિવર્તન ત્યારે શરૂ થાય છે જ્યારે વ્યક્તિ બીજાને બદલવાની રાહ જોવાને બદલે પોતાને બદલવાનો નિર્ણય લે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)