કન્ટિજન્સી પ્લાનિંગ એટલે અનિશ્ચિત ભવિષ્ય માટે પૂર્વ તૈયારી. મહાભારતના ભીમપર્વમાં પાંડવો દ્વારા રચાયેલ
અનેક વ્યૂહો આજના મેનેજમેન્ટ માટે અદભુત રૂપક પૂરું પાડે છે. જ્યાં કૌરવો એક જ શક્તિશાળી યોજના પર આધાર રાખે છે, ત્યાં પાંડવો યુદ્ધના વિવિધ સંભાવિત વળાંકો માટે વિકલ્પો તૈયાર રાખે છે, જે બતાવે છે કે સંચાલનમાં માત્ર આત્મવિશ્વાસ નહીં પરંતુ પૂર્વદૃષ્ટિ પણ જરૂરી છે.
આજના યુગમાં બજાર, ટેકનોલોજી, રાજકીય પરિસ્થિતિ અને કુદરતી આફતો જેવી અનિશ્ચિતતાઓ એટલી ઝડપી બદલાય છે કે પ્લાન A ઘણી વખત અચાનક નિષ્ફળ સાબિત થઈ જાય છે, અને ત્યારે પ્લાન B અથવા C જ સંસ્થાને બચાવતી ઢાલ બનીને ઉભી રહે છે.
આનું જીવંત ઉદાહરણ એપલ કંપની છે, જેણે ચીન પર અતિનિર્ભર સપ્લાય ચેઇનથી ઊભા થનારા જોખમો અંદાજી અગાઉથી જ ભારત અને વિયેતનામ જેવા દેશોમાં વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્રો વિકસાવ્યા. જેના કારણે વૈશ્વિક વિઘટન વચ્ચે પણ કંપનીનું ઉત્પાદન ચાલુ રહ્યું. તે જ રીતે નેટફ્લિક્સે શરૂઆતમાં DVD દ્વારા બિઝનેસ ચલાવતી વખતે જ ડિજિટલ સ્ટ્રીમિંગનો ભવિષ્યમાં વિકલ્પ તૈયાર કર્યો હતો, અને જ્યારે બજાર સંપૂર્ણપણે ઓનલાઈન તરફ વળ્યું ત્યારે તેની પાસે પહેલેથી જ પ્લાન B તૈયાર હતો, જેના કારણે તે વિશ્વની સૌથી સફળ મનોરંજન કંપનીઓમાં સ્થાન મેળવી શકી.

જાપાનની ટોયોટોએ 2011ના ભૂકંપ બાદ સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ જતી જોઈ, ત્યારબાદ દરેક નાનામાં નાના પાર્ટ માટે પણ બહુસ્તરીય સપ્લાયરોનું નેટવર્ક તૈયાર કર્યું, જેથી કોઈ એક સ્ત્રોત બંધ થાય તો ઉત્પાદન અટકે નહીં—આ શુદ્ધ કન્ટિજન્સી પ્લાનિંગનો ઉત્તમ દાખલો છે. આરોગ્ય ક્ષેત્રમાં ફાઇઝરે કોવિડ-19 મહામારી દરમિયાન એકસાથે અનેક વૈજ્ઞાનિક માર્ગો પર રસી સંશોધન શરૂ કર્યું, જેથી એક માર્ગ નિષ્ફળ જાય તો બીજો તરત કાર્યરત બને, અને અંતે વિશ્વની પહેલી સફળ રસીઓમાં સ્થાન મેળવ્યું. ભારત માટે પણ ISROની મંગળયાન મિશન યોજના બતાવે છે કે ઓછી કિંમત અને ઊંચી અનિશ્ચિતતા વચ્ચે પણ કેવી રીતે બેકઅપ સિસ્ટમ, બહુવિધ ચકાસણીઓ અને વૈકલ્પિક નિયંત્રણ પદ્ધતિઓ દ્વારા મિશન સફળ બનાવાય છે.

આ બધા ઉદાહરણો જણાવી જાય છે કે કન્ટિજન્સી પ્લાનિંગ એ ડરથી જન્મેલું આયોજન નથી, પરંતુ બુદ્ધિ અને જવાબદારીથી ઊભેલું ભવિષ્યદર્શન છે. આજના સંચાલક માટે માત્ર એક લક્ષ્ય માર્ગ નક્કી કરવો પૂરતો નથી. દરેક સંભાવિત જોખમ માટે તૈયાર રહેવું જરૂરી છે, કેમ કે જ્યારે સંજોગો અચાનક બદલાય છે અને યોજના ઘડવાનો સમય મળતો નથી, ત્યારે પહેલેથી તૈયાર કરેલી યોજના જ સંસ્થાને બચાવે છે.
જેમ ભીમપર્વમાં પાંડવોની વ્યૂહાત્મક તૈયારી અંતે તેમની જીતનું આધારસ્તંભ બની, તેમ આજના કોર્પોરેટ યુદ્ધમાં પણ સંસ્થાઓ માટે કન્ટિજન્સી પ્લાનિંગ માત્ર સુરક્ષા ઉપાય નહીં પરંતુ ટકાઉ સફળતાનું મુખ્ય શસ્ત્ર બની ચૂક્યું છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)


