સમદૃષ્ટિ અને સંવેદનશીલ સંચાલનનો માર્ગ

जितात्मन: प्रशान्तस्य परमात्मा समाहित: |

शीतोष्णसुखदु:खेषु तथा मानापमानयो:|

ભગવદ ગીતાના અધ્યાય ૬, શ્લોક ૯માં યોગી માટે જે સમભાવની વાત કરવામાં આવે છે — મિત્ર, દુશ્મન, મધ્યસ્થ કે અજ્ઞાત — બધા પ્રત્યે સમદૃષ્ટિ રાખવી, તે આજના સંચાલનશાસ્ત્રમાં ‘Emotional Intelligence’ તરીકે પ્રસ્તુત થાય છે. એક સંચાલક માટે દરેક કર્મચારી માત્ર designation નથી, પરંતુ વ્યક્તિગત ભાવનાઓ, સંઘર્ષો અને આશાઓ ધરાવતો મનુષ્ય છે.

પરંપરાગત મેનેજમેન્ટ મોડલમાં કાર્યક્ષમતા અને પરિણામને કેન્દ્રમાં રાખવામાં આવતું, પરંતુ આજની કોર્પોરેટ પરિસ્થિતિમાં સ્પષ્ટ થયું છે કે કાર્યક્ષમતાનો મૂળસ્ત્રોત માનસિક સુરક્ષા અને માનવીય સન્માન છે. જ્યારે નેતા સમતા અને સંવેદનશીલતા દાખવે છે, ત્યારે ટીમમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે.

ઉદાહરણ તરીકે, કટોકટીના સમયમાં કેટલીક કંપનીઓ કર્મચારીઓની વ્યક્તિગત પરિસ્થિતિ—જેમ કે આરોગ્ય, પરિવારની સમસ્યાઓ કે માનસિક તણાવ—ને ધ્યાનમાં રાખીને લચીલી કાર્યપદ્ધતિ અપનાવે છે; પરિણામે, તેમની પ્રતિબદ્ધતા અને પ્રોડક્ટિવિટી બંને વધે છે. માનવ વર્તનમાં પણ આવું જ છે: જ્યાં કોઈ આપણને નિષ્પક્ષતાથી સાંભળે છે, ત્યાં આપણું શ્રેષ્ઠ સ્વરૂપ બહાર આવે છે.

Emotional Intelligence એટલે ફક્ત દયા નહીં, પરંતુ self-awareness, self-regulation, empathy અને relationship managementનું સંકલન. નવી દિશા એ છે કે સંવેદનશીલ સંચાલનને ‘soft skill’ માનવાની માન્યતા બદલીને તેને વ્યૂહાત્મક આવશ્યકતા તરીકે સ્વીકારવી. AI અને automationના યુગમાં ટેકનિકલ કૌશલ્ય સરળતાથી શીખી શકાય છે, પરંતુ માનવીય સંવેદનાનો વિકલ્પ નથી. Diversity અને inclusionની ચર્ચાઓ ત્યારે જ અર્થપૂર્ણ બને છે, જ્યારે નેતા દરેક અવાજને સમભાવથી સાંભળે.

સાચું નેતૃત્વ એ છે, જે પ્રશંસા અને ટીકા બંનેમાં સમતા જાળવે અને વ્યક્તિને તેના સંપૂર્ણ માનવીય પરિમાણ સાથે સ્વીકારી શકે. અંતે, સંવેદનશીલ સંચાલન માત્ર સારા સંબંધો નથી બનાવતું; તે ટકાઉ સંસ્થા, વિશ્વાસભર્યું વાતાવરણ, સંસ્કાર અને લાંબા ગાળાની સફળતાનો મજબૂત પાયો રચે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)