સ્થાનભ્રષ્ટા ન શોભન્તે

स्थानभ्रष्टाः न शोभन्ते दन्ताः केशाः नखा नराः।

इति विज्ञाय मतिमान् स्वस्थानं न परित्यजेत्॥

મનુષ્યના દાંત, વાળ, નખ, વગેરે પોતાના સ્થાને હોય તો જ તે શોભે છે, પોતાના સ્થાનથી અલગ થયા પછી દાંત, વાળ કે નખ શોભતા નથી. મોંથી અલગ થયેલો દાંત હોય કે માથાથી છૂટો પડેલો વાળ હોય કે પછી કપાયેલા નખ તે ખરાબ જ લાગે છે. પોતાનું સ્થાન છોડીને બીજા સ્થાને કોઈ જાય તો ક્યારેય શોભે નહીં.

વિચારો મોમા દાંત જ ના હોય તો મુખ કેવું લાગે? એ જ રીતે વાળ અથવા નખ ન હોય તો? કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક વસ્તુને પોતાનું એક સ્થાન હોય છે, ગરિમા હોય છે. તો જ તે શોભે છે અને તો જ તેનું મહત્વ જળવાઈ રહે છે.

તારાઓ આકાશમાં જ શોભે છે, ફળ અને ફૂલ વૃક્ષ કે વનસ્પતિની શોભા છે. મણિ ગમે એટલું કિંમતી હોય એ કડામાં જડેલું હોય તો જ શોભી ઉઠે છે. કડુ પણ મણિના લીધે શોભે છે. મણિ અને તેમજ કડાને કારણે હાથનું કાંડુ શોભી ઉઠે છે. કડામાંથી મણિ નીકળી ગયું હોય તો કડુ શોભતું નથી. એમ રાજા રાજગાદી પણ શોભે છે.

પાંડુ રાજાનો દાખલો લઈએ અતિપ્રતાપી પાંડુરાજા વનમાં ગયા અને ભૂલથી એમને મૃગ સમજી ચલાવેલ તીર ઋષિને વાગતા શાપ પામે છે. પ્રાયશ્ચિતરૂપે ગાદી ત્યાગી વનમાં જાય. તેમના સ્થાને ધૃતરાષ્ટ્ર રાજા બને છે. પાંડુ અને રાજગાદી બંને એકબીજાના પૂરક હતા. વનમાં ગયેલા પાંડુ રાજા પોતાનું તેજ ગુમાવી દે છે. અને હસ્તિનાપુરની ગાદી પણ પાંડુને ગુમાવી પોતાનું સત્વ ગુમાવી દે છે. ધૃતરાષ્ટ રાજા બનવાને લાયક ન હતા છતાં રાજા બન્યા એનું શું પરિણામ આવ્યું એ આપણે જાણીએ છીએ.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)