મહાભારતના ભીષ્મપર્વમાં વર્ણવાયેલા ચક્રવ્યૂહ, ગરુડ વ્યૂહ અને મકર વ્યૂહ માત્ર યુદ્ધની રચનાઓ નહોતા, પરંતુ સંકલિત વ્યૂહરચનાના
પ્રતિક હતા — જ્યાં દરેક યોદ્ધાની ભૂમિકા, સ્થાન અને સમયસૂચકતા પૂર્વનિર્ધારિત હતી. પાંડવો જાણતા હતા કે માત્ર પરાક્રમ પૂરતું નથી; યોગ્ય રચના, સંચાર અને પરિસ્થિતિ પ્રમાણે બદલાતી સ્ટ્રેટેજી જ વિજય તરફ દોરી શકે.
આજના સંચાલનમાં પણ per-project planning એ આવું જ વ્યૂહચક્ર છે. સ્પષ્ટ objectives, resource allocation, risk assessment અને monitoring mechanism વિના કોઈ પણ પ્રોજેક્ટ સફળ થતો નથી. ઘણી સંસ્થાઓ ઉત્સાહમાં પ્રોજેક્ટ શરૂ કરે છે, પરંતુ scope definition અને structure વિના મધ્યમાં ભટકી જાય છે. આ અભિમન્યુ જેવી સ્થિતિ છે, જ્યાં પ્રવેશ તો થાય છે, પરંતુ બહાર નીકળવાની વ્યૂહરચના સ્પષ્ટ નથી હોતી.
કોર્પોરેટ જગતમાં Agile, Scrum અને OKR જેવી પદ્ધતિઓ આધુનિક વ્યૂહો છે, જે કાર્યને તબક્કાવાર ગોઠવી ટીમને દિશા આપે છે. ઉદાહરણ તરીકે, એક મેન્યુફેક્ચરિંગ કંપની જ્યારે નવા બજારમાં પ્રવેશ કરે છે, ત્યારે market research, supply chain, finance અને marketing વચ્ચે સંકલન ગોઠવે છે. જો એક વિભાગ પણ અસંગત રહે, તો આખું ગરુડ વ્યૂહ તૂટી શકે.

માનવ વર્તનમાં પણ વિજય માટે આયોજન જરૂરી છે. કારકિર્દી, સ્વાસ્થ્ય અથવા સંબંધો — દરેક ક્ષેત્રમાં સ્પષ્ટ લક્ષ્ય અને સમયબદ્ધ પગલાં વિના સફળતા માત્ર સંયોગ બની રહે છે.
નવી દિશા એ છે કે વ્યૂહરચનાને કઠોર ઢાંચા તરીકે નહીં, પરંતુ લચીલી બુદ્ધિ તરીકે જોવી જોઈએ, કારણ કે યુદ્ધભૂમિ અને બજાર બંને અનિશ્ચિત છે. Data analytics અને scenario planning આજના યુગના દિવ્યાસ્ત્રો છે, જે જોખમોને પહેલાથી ઓળખવામાં મદદ કરે છે.
સાચો સંચાલક એ છે, જે પરિસ્થિતિ પ્રમાણે વ્યૂહ બદલી શકે, પરંતુ ધ્યેય અડગ રાખે. અંતે, વિજય માત્ર શક્તિથી નહીં, પરંતુ સુસંગત યોજના અને સંકલિત પ્રયત્નોથી મળે છે. જે સંસ્થા વ્યૂહને પોતાની સંસ્કૃતિનો ભાગ બનાવે છે, તે જ લાંબા ગાળે અજય બને છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)






