બન્ધુરાત્માત્મનસ્તસ્ય યેનાત્મૈવાત્મના જિતઃ ।
અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત્ ।।
(શ્રીમદ ભગવદ ગીતા, ધ્યાન યોગ, અધ્યાય ૬, શ્લોક ૬)
અર્થાત જેણે મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે પણ જે આમ કરવામાં નિષ્ફળ નિવડયો છે તેને માટે મન એ સૌથી મોટો શત્રુ બની રહે છે.
વ્યવસાય જગતમાં પણ આ જ જ્ઞાન લાગુ પડે છે ને? વ્યવસાય જગતમાં દરરોજ કંઈક કેટકેટલા જટિલ નિર્ણયો લેવાના હોય કે વ્યૂહરચના બનાવવાની હોય તેમાં જો કર્મચારી કે મેનેજરનું આંતરમન સ્વસ્થ અથવા વશમાં ન હોય, આત્મસંયમી ન હોય એટલે કે લોભાવણી ઓફરથી લલચાઇ જતું હોય, અશાંત હોય તો તે ખુલ્લા મને સ્વસ્થતાથી નિર્ણયો કરી શકતા નથી અને એમનો એક ખોટો નિર્ણય કેટલીકવાર કંપની કે ઓર્ગેનાઈઝેશનને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
આજે આપણે સ્પર્ધાના યુગમાં જીવીએ છીએ. કેટલાક અપવાદોને બાદ કરીએ તો તમારે તમારો ગ્રાહક બીજે ન ફંટાઈ જાય તે માટે સદાય જાગૃત રહેવાનું. તમારા પ્રતિસ્પર્ધીઓ આજે નહીં તો કાલે ઊભા થશે જ. તેઓ તમને પરાસ્ત કરવા પોતપોતાની વ્યૂહરચના અને સમજ મુજબ આયોજનો કરશે. તમારે બે કામ કરવાના છે. સ્પર્ધા એ હકીકત છે, માનીને સ્વીકારવાની છે. એનાથી ગભરાવવાનું કે ભાગી છૂટવાનું નથી.
તમારી સામે આવતી કોઈ પણ પરિસ્થિતિનો સ્વસ્થ ચિત્તે સ્વીકાર કરો. મન કે મગજ એ આપણા શરીરનો એવો ભાગ છે કે જો તમે એને વશમાં નથી કરી શકતા તો એ તમને પોતાના વશમાં લઈ લેશે. જે વ્યક્તિનું મન સંયમી છે તે જીવનમાં ધારે તે પ્રાપ્ત કરી શકે છે. તેથી કહી શકાય કે જેનું મન મુઠ્ઠીમાં તેના માટે જગત મુઠ્ઠીમાં.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
