નિર્ણય ક્ષમતાનું મહત્વ…

નિર્ણય ક્ષમતાનું મહત્ત્વ મહાભારતના ઉદ્યોગપર્વમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. વિદુરે ધૃતરાષ્ટ્રને અનેકવાર સમજાવ્યું કે યુદ્ધને અટકાવવાનો એકમાત્ર માર્ગ છે ન્યાયપૂર્ણ અને સમયસરનો નિર્ણય, પરંતુ ધૃતરાષ્ટ્ર સતત દબાણ, આસક્તિ અને દંભ વચ્ચે ફસાઈ જતા સમયસર યોગ્ય નિર્ણય ન લઈ શક્યા અને અંતે કુરુક્ષેત્રનું ભયાનક યુદ્ધ થયું. આ પ્રસંગ આપણને શીખવે છે કે નેતૃત્વનો વિલંબિત અથવા અસ્પષ્ટ નિર્ણય આખી સંસ્થાને નાશ તરફ દોરી શકે છે.

એક સારો મેનેજર સમયસર, ઝડપી, નિષ્પક્ષ અને સમજૂતીભર્યો નિર્ણય લે છે તો સંસ્થા પ્રગતિ કરે છે, નહીં તો વિલંબથી નાની મોટી સમસ્યાઓ ઊભી થાય છે. ઉદાહરણ તરીકે નોકિયાની કંપનીએ સ્માર્ટફોન માર્કેટમાં એન્ડ્રોઇડના આગમન સમયે સમયસર નિર્ણય ન લીધો અને જૂની ઓપરેટિંગ સિસ્ટમને જ વળગી રહી, પરિણામે એક સમયે દુનિયાની સૌથી મોટી મોબાઈલ કંપની ટૂંક સમયમાં અપ્રસ્તુત બની ગઈ. બીજી તરફ એપલના સ્ટીવ જોબ્સે સમયસર નિર્ણય લઈને આઈફોન રજૂ કર્યો અને મોબાઈલ માર્કેટમાં ક્રાંતિ કરી. આ દર્શાવે છે કે નિર્ણાયક ક્ષમતા અથવા તેનો અભાવ સંસ્થાને ટોચ પર કે તળિયે લઈ જઈ શકે છે.

રાજનીતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે લાલ બહાદુર શાસ્ત્રીજીના સમયસરના નિર્ણયોથી ભારતને 1965ના યુદ્ધમાં મજબૂતાઈ મળી અને કૃષિ ક્ષેત્રે ‘જય જવાન, જય કિસાન’ના સૂત્રથી હરિતક્રાંતિને વેગ મળ્યો. તે જ રીતે ડૉ. અબ્દુલ કલામના સમયમાં મિસાઈલ પ્રોજેક્ટ માટે યોગ્ય સમયે લીધેલા નિર્ણયો ભારતને સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક ગૌરવ અપાવનાર બન્યા. મહાભારતમાં ધૃતરાષ્ટ્રની નબળાઈ દર્શાવે છે કે નેતા ભલે જ્ઞાનીઓની સલાહ સાંભળે, પરંતુ જો તે સમયે નિર્ણય ન લે તો તેની અસર સંસ્થા કે સમાજ પર ઘાતક થઈ શકે છે.

આજના મેનેજમેન્ટમાં પણ જો કોઈ કંપની નવા બજાર પરિવર્તનો, ટેક્નોલોજી અપનાવવાની જરૂરિયાત કે ગ્રાહકની માંગને અનુરૂપ સમયસર નિર્ણય ન લે તો સ્પર્ધામાં પાછળ રહી જાય છે. તેથી નેતૃત્વમાં નિર્ણયક્ષમતા એટલે માત્ર હા કે ના કહેવું નહીં પરંતુ પરિસ્થિતિનું અવલોકન, સમજૂતી, નિષ્પક્ષતા અને સમયસર પગલું ભરવું જેવા ગુણ હોવા જોઈએ. કેમ કે વિદુરની વાતો ભલે સત્ય હતી પરંતુ ધૃતરાષ્ટ્ર તેને અમલમાં મૂકી ન શક્યા એટલે આખું કુરુવંશ નાશ પામ્યું. આથી આજના જમાનાને અનુરૂપ સંચાલનમાં દરેક નેતાએ સમજવું જોઈએ કે વિલંબ કરવો એ સૌથી મોટું જોખમ છે અને સમયસર લેવાયેલો યોગ્ય નિર્ણય જ સંસ્થાની પ્રગતિનો આધાર છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)