ભગવદ્ ગીતાના અધ્યાય ૨ના શ્લોક ૫૯માં એક અત્યંત સૂક્ષ્મ પરંતુ ગહન સત્ય રજૂ થયેલું છે –
विषया विनिवर्तन्ते निराहारस्य देहिन: |
रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ||
અર્થાત્, માણસ બાહ્ય વિષયોથી દૂર રહી શકે છે, પરંતુ તેની અંદરની આસક્તિ ત્યારે જ છૂટે છે જ્યારે તેને પરમ દૃષ્ટિ – ઉચ્ચ જ્ઞાન અને વૈરાગ્ય – પ્રાપ્ત થાય.
આજના માનવ સ્વભાવ અને કોર્પોરેટ સંસ્કૃતિમાં આ વિચાર અદ્ભુત રીતે પ્રાસંગિક છે. આજે આપણે ડાયેટ કરીએ, સોશિયલ મીડિયા ડીટોક્સ કરીએ, ખર્ચમાં સંયમ રાખીએ – પરંતુ મનની અંદર રહેલી લાલસા, સરખામણી અને સ્પર્ધાની આગ યથાવત્ રહે છે. આ આંતરિક આસક્તિ જ વ્યક્તિને અસંતોષી બનાવે છે.
એ જ રીતે સંગઠનોમાં પણ ઘણીવાર નિયમો, પોલિસી અને કોડ ઓફ કન્ડક્ટ દ્વારા બાહ્ય સંયમ લાવવામાં આવે છે, પરંતુ જો નેતૃત્વ પાસે સ્પષ્ટ વિઝન અને વૈરાગ્યભાવ ન હોય તો અંદરની લાલચ – માર્કેટ શેરની અંધદોડ, તાત્કાલિક નફાની લાલસા અને પ્રતિષ્ઠાની ભૂખ – કંપનીને દિશાહીન બનાવી દે છે.

વિઝન એટલે લાંબા ગાળાનો દૃષ્ટિકોણ; એક એવી પરમ દૃષ્ટિ જે દૈનિક ઉથલપાથલથી ઉપર ઉઠીને મૂલ્યો પર આધારિત માર્ગદર્શન આપે. જ્યારે નેતા પાસે સ્પષ્ટ વિઝન હોય છે, ત્યારે તે દરેક તકને પકડવા માટે બેફામ નથી દોડતો; તે પસંદગી કરે છે. અહીં વૈરાગ્યનું સ્થાન મહત્વનું બને છે.
વૈરાગ્યનો અર્થ ભાગી જવું નથી, પરંતુ પરિણામની લાલચથી મુક્ત રહીને કર્મ કરવું છે. કોર્પોરેટ વિશ્વમાં આજે performance pressure અને quarterly targets નો ભાર એટલો વધ્યો છે કે અનેક નિર્ણયો મૂલ્યવિહીન બની જાય છે.
જો નેતા માત્ર બોનસ, શેર પ્રાઈસ અથવા પદની લાલચથી પ્રેરિત હોય તો તેની દૃષ્ટિ સીમિત બની જાય છે. પરંતુ જે નેતા વૈરાગ્ય સાથે કાર્ય કરે છે તે ટૂંકા ગાળાના લાભ કરતાં લાંબા ગાળાની પ્રતિષ્ઠા, વિશ્વાસ અને નૈતિકતા પર ભાર મૂકે છે.
માનવ સ્વભાવ પણ આવો જ છે – આપણે ઘણીવાર બહારથી સંયમિત દેખાઈએ છીએ, પરંતુ અંદરથી પરિણામની ચિંતા, પ્રશંસાની અપેક્ષા અને સરખામણીની વૃત્તિ આપણને અશાંત રાખે છે. જો જીવનમાં સ્પષ્ટ વિઝન ન હોય તો વ્યક્તિ દરેક ચમકતી તક પાછળ દોડે છે; પરંતુ જો જીવનમૂલ્યો પર આધારિત દૃષ્ટિ હોય તો પસંદગી સરળ બને છે.

વૈરાગ્ય એ આંતરિક સ્વતંત્રતા છે – જે માણસને નિર્ણય લેવામાં નિર્ભય બનાવે છે. આજની સ્ટાર્ટઅપ સંસ્કૃતિમાં પણ જે ઉદ્યોગસાહસિક માત્ર valuation પાછળ દોડે છે તે ઘણીવાર થાકી જાય છે, જ્યારે જે સ્પષ્ટ મિશન અને વૈરાગ્ય સાથે કાર્ય કરે છે તે સ્થાયી મૂલ્ય સર્જે છે.
સાચું નેતૃત્વ એ છે જ્યાં વિઝન દિશા આપે અને વૈરાગ્ય સંતુલન જાળવે. પરિણામ આવશે કે નહીં, પ્રશંસા મળશે કે નહીં – તેનાથી ઉપર ઉઠીને સત્વપૂર્વક કાર્ય કરવું જ ગીતાનો માર્ગ છે.
તેથી આજના માનવ અને કોર્પોરેટ વર્તનમાં આવશ્યક છે કે આપણે બાહ્ય સંયમથી આગળ વધીને આંતરિક વૈરાગ્ય વિકસાવીએ. કારણ કે વિઝન વગરનો સંયમ દબાણ છે અને વૈરાગ્ય વગરનું વિઝન અંધ મહત્ત્વાકાંક્ષા; બંનેનો સમન્વય જ સાચી સફળતા અને શાંતિ તરફ દોરી જાય છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)




