કબીરના મતે જીવન અને મૃત્યુ વચ્ચેનો માર્ગ એટલે…

 

જબ લગી મરનેસે ડરે, તબ લગી પ્રેમી નાહિ,

બડી દૂર હૈ પ્રેમઘર, સમજ લેહુ મન માંહિ.

 

જન્મ અને મરણ વચ્ચેનો સમયગાળો તેનું નામ જીવન છે. જન્મે તેનું મરણ નક્કી જ છે, પરંતુ તેનો ડર માણસને હંમેશાં લાગે છે. કેટલાક સંતો કહે છે કે, મૃત્યુનો ડર હોય તો તેનો એક જ ઉપાય છે – તેનો સ્વીકાર કરવો અને તેને મંગળ મંદિરનું દ્વાર માનવું.

વ્યાસ મુનિ કહે છે કે, મૃત્યુ નિશ્ચિત છે, તેથી ધર્મનું પાલન કરો, પરંતુ મારો પુકાર કોઈ સાંભળતું નથી. કબીરજી કહે છે કે, અભય વિનાનો પ્રેમ કશા કામનો નથી. કબીરજીનો ઉપદેશ એ છે કે, મૃત્યુ, જેને માનવી મોટી આફત માને છે, એ સર્વના અંતનો ભાગ છે. જ્યારે (મૃત્યુનો ભય) દૂર થાય અને ભયમુક્ત થાય, ત્યારે જ સાચો પ્રેમ પ્રગટ થાય.

આ કાર્ય સહેલું નથી. પ્રેમના ઘરના સરનામું વાંચીએ તો સમજાય કે તે ખૂબ દૂર છે. તેના અઢી અક્ષરનો તાગ પામવા માટે લાંબી મંજિલ કાપવી પડે. આ માટે ધીરજ જોઈએ. ‘ચટ મંગની અને પટ બ્યાહ’ જેવી લોટેરી-જેમ તત્કાલ પ્રાપ્તિ શક્ય નથી.

લાંબા માર્ગે સમજણ અને ધીરજપૂર્વક, સાચી દિશામાં, અનેક જોખમોથી સાવધ રહીને ડગ મારો, તો પ્રેમઘર સુધી અવશ્ય પહોંચવા શકીએ. ભય છોડીએ તો પ્રેમસ્વરૂપ ભગવાનના દર્શન થાય.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)