કબીરવાણી: સ્વાર્થથી સર્વવ્યાપી પ્રેમ તરફ

 

અધિક સનેહી માછરી, દુજા અલપ સનેહ,

 જબહી જલતે બિધુરે, તબહી ત્યાગે દેહ.

 

આપણે બાળકોને ગીત શીખવીએ છીએ – “મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાની હૈ. હાથ લગાવો ડર જાયે, બહાર નિકાલો મર જાય.” જળ અને માછલીના સંબંધની ઉપમા સાથે કબીરજી સ્થિર અને શાશ્વત પ્રેમભાવનાનું વર્ણન કરે છે.

જ્યાં સુધી ઘનિષ્ઠ અને અતૂટ પ્રેમ ન હોય ત્યાં અલ્પ સમયનું આકર્ષણ, મોહ કે લાગણી પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તન પામે છે. પાણી બહાર માછલી જીવનનો ત્યાગ કરી દે છે, પરંતુ દરેક સંબંધમાં આવો ગાઢ નાતો નથી હોતો.

પ્રેમનો કોઈ શત્રુ નથી હોતો પણ સ્વાર્થ તેનું આવરણ છે. પ્રેમનો પરિઘ સ્વસુધી મર્યાદિત રહે તે સ્વાર્થ, જ્યારે જગત સુધી વિસ્તરે ત્યારે સર્વવ્યાપી સ્નેહ. આજે તો સ્વાર્થ સર્વવ્યાપી જણાય છે. અમેરિકન ઉપભોકતાવાદનો અર્થ કુદરતી સંપત્તિમાંથી કચરો પેદા થતો રહે તેવા વિકાસની પરિકલ્પના છે.

વેદોએ વિશ્વમાં માનવ માનવ વચ્ચે જ નહીં પણ બ્રહ્માંડમાં રહેલાં તમામ તત્ત્વો વચ્ચે પણ પ્રેમનું અનુબંધન રહે, શાંતિ રહે, સંવાદિતા રહે તે માટે પ્રાર્થના કરી છે. કબીરજીનો ઉપદેશ પણ આ જ છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)