કબીરવાણી: મૌન સાધનાનું મહત્ત્વ

મસ્જિદ ભીતર મુલ્લા પુકારે, ક્યા સાહિબ તેરા બહેરા હૈ,
ચીંટી કે પાંવ ઝાંઝર બાજે, સો ભી સાહબ સુનતા હૈ.

નમાજના સમયની જાણ કરવા માટે બાંગ પોકારવાની પરંપરા જૂની છે. આ પરંપરામાં માઇક્રોફોનના ઉપયોગના પ્રશ્ને આજે પણ તણાવ પેદા થાય છે. ધાર્મિક વિધિઓનું એટલું મહત્ત્વ માનવામાં આવે છે કે દરેક ધર્મનું હાર્દ વિસરાઈ જાય છે.

ઈશ્વરને દરેક ધર્મ સર્વશક્તિમાન માને છે. જે ઈશ્વર, ખુદા, સાહિબ કે પ્રભુને ગમે તે સંજ્ઞાથી ઓળખો, પરંતુ તેની વ્યાપકતા સમજી લેવી જોઈએ. અણુ-અણુમાં જેનો વાસ છે, તેવા ભગવાન તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઘટનાને પણ નિહાળી શકે છે.

કવિ કાગ ઈશ્વરની મહાનતા ગાતાં ગાતાં કહે છે કે, વિચારો તો ખરા કે પ્રભુએ કીડીનાં અંતર કેમ ઘડ્યાં હશે?

કબીરજી પરંપરાની નિરર્થકતા દર્શાવવા જે તર્કનો ઉપયોગ કરે છે, તે પણ મનોહર છે. કીડીના પગ કેવા? તેમાં ઝાંઝર બાંધવું કેમ? અને તે સૂક્ષ્મ ઝાંઝરનો ધ્વનિ કોણ સાંભળી શકે? ઈશ્વર આ બધું કરી શકે છે, તો તેને ઓળખવા અને મેળવવા માટે મૌન સાધના પર્યાપ્ત છે. આંતરખોજ કરવાની છે. ફક્ત મોટા અવાજે શબ્દો બોલીને તેને રીઝવી શકાય નહીં.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)