કબીરના મતે પ્રેમની સાચી ઓળખ એટલે…

 

પ્રેમ પ્રેમ સબ કોઈ કહૈ, પ્રેમ ન ચિન્હે કોય,

જા મારગ સાહિબ મિલૈ, પ્રેમ કહાવત સોય

 

કબીરજી પ્રેમની પહેચાન કરવામાં શું મુશ્કેલી છે તેનું નિરૂપણ આ સાખીમાં કરે છે. પ્રેમનો ચીલાચાલુ અર્થ કોઈ પ્રતિ આકર્ષણ એવો તો સૌ કરે છે, સાચા પ્રેમને ઓળખવો મુશ્કેલ છે. બહુ થોડા લોકોને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે.

ગીતામાં કૃષ્ણ અર્જુનને દિવ્યચક્ષુ થકી વિશ્વરૂપ દર્શન કરાવે છે. આ દિવ્યચક્ષુ એટલે સાચો પ્રેમ. અર્જુનનું શંકાશીલ મન સત્ય ગ્રહણ નથી કરી શકતું અને વિષાદ, શંકા અને મૂઢતામાં જકડાયું છે ત્યારે કૃષ્ણ ભગવાન તેને કર્તવ્ય બોધ માટે સંસારની વિશાળતા, શાશ્વત પ્રકૃતિ અને વિનાશ-સર્જનની સતત પ્રક્રિયા દર્શાવી તેને ભાન કરાવે છે.

આપણે બુદ્ધિથી એ જ વિચારીએ છીએ જે આપણા મનને ગમે છે. પ્રભુભકત માટે રાગ, દ્વેષ, મોહ, માયા, અહમ્, લોભથી દૂર થઈને સત્ય સમજી જગતને પ્રભુમય સમજવાનું જરૂરી છે.

આ જ રસ્તે પ્રભુપ્રાપ્તિ થાય છે. આ જ સાચો માર્ગ છે, આ જ પ્રેમપથ છે અને તેના વિનાની કોઈ કેડી શિખર સુધી લઈ જતી નથી. ગાંધીજીની દૃઢ માન્યતા હતી કે, દરિદ્રોની સેવા એ જ પ્રભુપ્રાપ્તિનો સાચો માર્ગ છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)