યહ તત વહ તત એક હૈ, એક પ્રાન દુઈ ગાત, અપને જિયસે જાનિયે, મેરે જિય કી બાત.
|
ઓમ તત્ સત્ સોહમનો મંત્ર વ્યક્તિને સૃષ્ટિ સાથે તાદાત્મ્ય સાધવામાં મદદ કરે છે. આ સાખીથી કબીરજી આપણને અદ્વૈતની ફિલસૂફી સરળમાં સરળ રીતે સમજાવે છે. આપણે જે દ્વિધા, ભેદ અનુભવીએ છીએ, મનમાં મારુંતારું થાય છે તે માટે કબીરજી કહે છે કે, તમામ જીવો-પદાર્થમાં પરમાત્માનો વાસ છે. બે શરીરો ભિન્ન હોય પણ તેમાં વસતો આત્મા એક જ છે.
ભારતીય પરંપરામાં પતિ-પત્ની, ગુરુ-શિષ્ય, પિતા-જયેષ્ઠ પુત્ર વગેરેને નામથી બોલાવવાનો નિષેધ છે, કારણ કે આ ઉભય સ્વરૂપ નથી પણ આત્મ સ્વરૂપ છે – કદાચ ન હોય તો પણ ઐક્ય અનુભવે તેવું ઈચ્છીએ.
કબીરજી આગળ કહે છે કે, મારા દિલથી મારા દિલની વાત જાણી લો. જ્યાં એકાત્મા છે ત્યાં મતભેદ-મનભેદ નથી. અંગ્રેજીમાં આના માટે “ઓન ધ સેમ વેવલેન્ગથ” શબ્દપ્રયોગ કરીએ છીએ.
કબીરજી તો કહે છે તે તત્ સત્ની વાત સમજાય તો સમસ્ત વિશ્વ આપણી સાથે સંવાદનું સંગીત ગાય છે. કુદરતની નીરવ શાંતિમાં કે શહેરોના કોલાહલમાં હોઈએ પણ આ તરંગો ઝીલતા રહીએ તો આત્મજ્ઞાનના એન્ટેના મારફત રેડિયો નિજાનંદ સુમધુર સુરાવલી સંભળાવ્યા જ કરે છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
