કબીરવાણી: પ્રેમ એ જ અનુભવે, જે પોતાને સમર્પિત કરે છે

 

પ્રેમ ન બાડી ઉપજૈ, પ્રેમ ન હાટ બિકાય,

 રાજા પરજા જો રુચૈ, શીશ દેય લે જાય.

 

કબીરજીની આ અતિ સુપ્રસિદ્ધ સાખી છે. પ્રેમની કબીરજીની અવધારણાઓ અજોડ છે. પ્રેમ એટલે સર્વ પ્રત્યે એકાત્મ ભાવ. આવો ભાવ કેળવવો કેટલો કઠિન છે. આપણા અંતરંગ સંબંધોમાં ભંગ પડતાં કયાં વાર લાગે છે ? પ્રેમ એ કોઈ ચીજ-વસ્તુ નથી પણ સચરાચર સાથે એકતાનો અનુભવ છે. સંત ફ્રાંસિસ એસેસી ઇટાલીના સંતનો સૃષ્ટિપ્રેમ અદ્ભુત હતો. પશુ-પંખી સાથે પણ સંવાદ કરી શકતા હતા.

રામકૃષ્ણ પરમહંસની સંવેદના કે અવપૂતોની મસ્તી પ્રેમનું સાચું સ્વરૂપ છે. પ્રેમની ખેતી કરી શકાતી નથી. જોકે આપણે કહી શકીએ કે, પ્રેમનું બીજ સંવેદના છે, સમર્પણ તેનું પાણી છે, જ્ઞાન / સાચી સમજણ તેનું ખાતર છે, સંસાર તેનું ખેતર છે અને પુરુષાર્થ તેની માવજત છે.

કબીરજી કહે છે કે, પ્રેમ બજારુ ચીજ નથી કે ખરીદી શકાય. રાજા કે સામાન્ય જણ આ ત્યારે જ પામી શકે છે જ્યારે તેના માટે તે સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર હોય છે. શહીદ ભગતસિંહ જેવા ક્રાંતિવીરોએ જીવન કરતાં રાષ્ટ્રને વધારે મૂલ્યવાન ગણીને દેશપ્રેમ કર્યો હતો. જે સઘળું કુરબાન કરવા તૈયાર છે તે જ પ્રેમનો અહેસાસ કરી શકે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)