કબીરવાણી: પ્રેમ, વિરહ અને વૈરાગ્યનું સંગમ…

 

પ્રેમ બિના ધીરજ નહીં, બિરહ વિના વૈરાગ,

સતગુરુ બિન જાવે નહીં, મન મનસા દાગ.

 

કબીરજીની સાખીમાં પ્રેમ, ગુરુ, વૈરાગ્ય, માયા, મન, શરીર જેવા શબ્દો વારંવાર આવે છે. તદન ઓછા શબ્દોમાં ગહન જ્ઞાન સચોટ અને સરળ રીતે આપવામાં કબીરજી નિષ્ણાત છે. પ્રેમ વિના ધીરજ નથી. વિરહ વિના વૈરાગ્ય નથી.

પ્રેમ એટલે શ્રદ્ધા અને સમર્પણ, પ્રેમમાં શંકા નથી કે નથી ગૂંચવણ. પ્રેમ દ્વારા માનવી સમષ્ટિ સાથે તાદાત્મ્ય અનુભવે તેને શેની ઉતાવળ હોય ? શા કારણે અધીરાઈ હોય ? પ્રેમની લૌકિક સ્થિતિ આનાથી ઊલટી હોય છે.

વિરહની આગમાં શેકાતા, નિરાશાની અંધારી ખીણમાં ગડબડતા યુવાનોમાં ઉતાવળ હોય તે સમજી શકાય પણ જ્ઞાની માટે ધીરજ એ આસ્થા અને પ્રેમની ઊપજ છે. પ્રભુ-વિરહ હોય ત્યાં દુન્વયી ચીજોનો શો ખપ? સમર્થ રામદાસે શિવાજીએ ધરેલ રાજ ઠુકરાવી દીધું હતું, કારણ કે તે સાધનામાં બાધારૂપ બને.

આવા સદગુરુ મળે તો મનમાંથી ઇચ્છા તજવી એ પૂર્વશરત છે. પણ વાસ્તવમાં મુમુક્ષુ અને સાધુઓ કામના ના મોહપાશમાં બંધક હોય છે. આ બંધનોમાંથી છોડાવે તે સાચા ગુરુ.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)