કબીરવાણી: મણિરૂપ ભક્તિ અને મનની મુક્તિ

 

મિલના જગમાં કઠિન હૈ, મિલિ બિછરો જનિ કોય,

બિછુરા સાજન તિહિ મિલે, જિહિ માથે મણિ હોય.

 

લોકવાયકાનો ઉપયોગ કરી દર્શનશાસ્ત્રનો મત શીઘ્ર સમજમાં આવે તે દ્રષ્ટિએ કબીરજીનો ઉપદેશ આગવું મહત્ત્વ ધરાવે છે. માન્યતા છે કે, નાગના માથે મણિ હોય છે જે અતિ મૂલ્યવાન – પારસ સમાન હોય છે. આ રૂપકમાં મણિ મૂલ્યનું પ્રતીક છે તો નાગ ડરનું ચિહ્ન છે. આવા નાગનાં દર્શન અતિ દુર્લભ છે. સદ્ગુરુ કે સંતજનનું મિલન થવું કઠિન છે. આ માટે મનમાં તાલાવેલી હોવી જોઈએ.

નરસિંહ મહેતા કહે છે તેમ – “રામનામ શું તાલી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.” આવા ગુરુ મળે તો પણ તેનો સતત સહવાસ – સત્સંગ રહેતો નથી. એક રીતે આ મુદો મનની સારી વૃત્તિ અસ્થાયી છે તે દર્શાવે છે. આવી સ્થિતિમાં ભક્તને સદ્ગુરુ, મનની સ્થિરતા અને વૈરાગ્યના રૂપમાં રહેલા ‘સાજન’ પ્રભુ ત્યારે જ મળે જયારે વ્યક્તિ ચિંતા, ભય, મોહના નાગપાશમાંથી મુકત થઈ મણિરૂપ ભક્તિમાં ઓતપ્રોત થઈ જાય.

આ સાખીમાં કબીરજી ભક્તિમાર્ગ અને સૂફીવાદની ધારણાઓનું અદ્ભુત સંયોજન કરી આપે છે. ગમે ત્યાં ભટકીએ પણ મન બેબસ હોય, ઈચ્છાના ઘોડાપૂર ઘૂઘવતા હોય તો પ્રભુદર્શન અશક્ય છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)