કબીરવાણી : છીપથી મોતી સુધી

 

સાધુ સીપ સમુદ્ર કે, સતગુરુ સ્વાતી બુન્દ,

તૃષા ગઈ એક બુંદ સે, કયા લે કરો સમુન્દ.

 

અર્થની ગહનતા અને કવિત્વનો ઉજાસ એકી સાથે સમાવી લેવાની કબીરજીની શક્તિ અજોડ છે. સમુદ્રને સંસારસાગર – ભવસાગર તરીકે ઓળખાવીને તેની નિરર્થકતા સિદ્ધ કરવાનું કામ આ સાખી કેટલી સરળ અને સહજ રીતે કરે છે ! માયાના આવરણવાળા આ સંસારમાં સાધુનું અસ્તિત્વ તો એક છીપ જેવું છે.

અગણિત છીપોનું મૂલ્ય શું? જેમ છીપને સ્વાતિ નક્ષત્રનું બુંદ પ્રાપ્ત થતાં તેમાં મોતી બને છે તેવી માન્યતાની ઉપમા સાથે કબીરજી સદ્ગુરુનો મહિમા ગાય છે.

એક જ ઝલક, એક જ વિચાર, એક જ શબ્દ કે એક જ સંકલ્પથી સ્વાતિનું વર્ષાનું ટીપું જેમ છીપમાં મૂલ્યવાન મોતી બને છે તેમ જીવનમાં પણ ક્રાંતિ થાય છે. છીપમાં મોતીની સ્થાપના થાય એટલે તે છીપ કૃતાર્થ થાય છે. તેનું આ સાફલ્ય ટાણું છે. તેને બીજા કશાની જરૂર નથી રહેતી કે તેને નથી કશો અભરખો બાકી રહેતો.

સાધક એક એવી કક્ષાએ પહોંચે છે જ્યારે તેનામાં નિજાનંદની મસ્તી, જગત પ્રત્યે ઉદાસીનતા પણ જીવમાત્ર માટે પ્રેમ હોવાથી તેને દુન્વયી ચીજોની પરવા નથી હોતી. જે પૂર્ણતા પામે તેને અધૂરાપણાની લાગણી કયાંથી હોય ?

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)