|
વહ તો ઘર પ્રેમ કા, ખાલા કા ઘર નાહિ, શીષ ઉતારે ભુયં ઘરે, તબ પેઠે ઘર માંહિ. |
પ્રેમ-ભક્તિનું ઘર અજોડ છે. ઘરમાં માનવીને જગતનો છેડો મળે છે પણ આ સ્થિતિની જગ્યાએ કબીરજી સાવ નવી
કલ્પના કરે છે. પ્રેમનું ઘર એ કાંઈ મામા-માસીનું ઘર નથી કે લાડ કરાવે. આ સ્થાનમાં પ્રવેશ માટેની કિંમત આકરી છે. માથા સાટે ભક્તિનો સોદો થાય તો તે સાચો છે.
શીષ ઉતારે ભૂયં ઘરે એ શબ્દોમાં નમ્રતા અને ન્યોછાવરી અભિપ્રેત છે. આપણી લોકવાર્તામાં કમળપૂજા, બત્રીસ લક્ષણાનો ભોગ જેવી આહુતિ આપી ફળ મેળવવાનો ઉલ્લેખ છે.
કોઈ પણ મહત્ત્વનું કાર્ય મહેચ્છાથી નહીં પણ પરિશ્રમથી સિદ્ધ થાય છે. પ્રેમલક્ષણાભક્તિ વ્યક્તિને ભાવમાં ભીંજવીને તરબોળ કરી દે છે. ભક્ત રાબિયાને બંદગી વખતે સુધબુધ નહોતી રહેતી કારણ કે તેની એકાગ્રતા અદ્ભુત હતી.

ગજ આખ્યાનમાં મદોમસ્ત હાથીનો પગ મગરના મોઢામાં ફસાય છે ત્યારે અહં કે તાકાતથી કામ થતું નથી. ગજ અભિમાન તજીને હરિને આર્દ્ર સ્વરે પોકારે છે અને ઈશ્વર હાજરાહજુર થઈને મોક્ષ કરાવે છે. અભિમાન તજીએ એટલે પ્રેમકુટિરનો દરવાજો ખૂલી જાય છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)


