કબીરવાણી: આંખોની ઓરડીમાં ઉજાગર થયેલું દિવ્ય મિલન

 

નૈનો કી કરી કોઠરી, પુતલી પલંગ બિછાય

પલકોં કી ચિક ડારી કૈ, પિય કો લિયા રીઝાય.

 

સુહાગ રાત જેવો માહોલ રચી આપતી કબીરજીની સાખી તેમની કાવ્યશક્તિના શિખર સમાન છે. પ્રતીકો અને ઉપમાઓ દ્વારા તત્ત્વજ્ઞાનના ગૂઢ અર્થોને પ્રકાશમાં લાવવાનું કાર્ય કબીરજી અદ્ભુત રીતે કરે છે. આ પ્રકારની સાખીના શબ્દાર્થ સાથે તેનો તાર તો અગમ-નિગમના ભેદ સાથે છે.

પ્રિયતમરૂપી પ્રભુને પામવા માટે, પ્રસન્ન કરવા માટે નયનોની ઓરડી કરી છે. આ આંખો સમગ્ર બ્રહ્માંડમાં એક તત્ત્વનો અનુભવ કરે છે.

આ સાથે નયનોમાં રહેલી કીકી પલંગ બિછાવે છે. મનની સ્થિતિ આરામદાયક, શાંત અને સ્થિર બને છે. નેણોને નીચા કરીને અર્થાત્ બાહ્યા પદાર્થથી ઓજલ થઈને જ્યારે મન અદ્વૈતમાં સ્થિર થાય છે તે પ્રભુદર્શન છે. આ સાખી સાથે શ્રી લાભશંકર રાવલ ‘શાયર’ની આ લીટીઓનું સ્મરણ થાય છે.

 “આજ આટલું તું હવે પાકું કર સતજ્ઞાન,

નથી કોઈને ભીખમાં ક્યાંય મળ્યો ભગવાન.”

સાધુ-બાવાનાં વચનોથી જ પ્રભુપ્રાપ્તિ થતી હોત કે મોક્ષ મળતો હોત તો ? મોક્ષનો ટૂંકો રસ્તો શોધવાની લાલચ માર્ગ ભૂલવાડી દે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)