કબીરના મતે આધ્યાત્મિક ઉન્નતિ એટલે…

 

આગી આચિ સહના સુગમ, સુગમ ખડગ કી ધાર,

નેહ નિબાહન એક રસ, મહા કઠિન બ્યૌહાર.

 

આધ્યાત્મિક ઉન્નતિનો પથ મહાકઠિન છે. આ માર્ગે લપસી જવાય, થાકી જવાય, કંટાળી જવાય અને નાસીપાસ થવાય એવા અનેક વ્યવહારોમાંથી સાંગોપાંગ પાર ઊતરવું પડે છે. કબીરજી આ મુશ્કેલીનો અંદાજ આપતા કહે છે કે, આગની આંચ સહન કરવી સહેલી છે. ખડગની તેજ ધાર પર ચાલવું પણ સરળ છે.

પરંતુ આપણી દ્રષ્ટિએ સૌ ભેદ મિટાવી, સર્વ પ્રતિ સમભાવ, સમાદર અને પ્રેમ રાખવો તે કાર્ય ખરેખર મુશ્કેલ છે. ડગલે ને પગલે અહંકારના કારણે બીજાઓ પ્રત્યે પારકાનો ભાવ થાય. ધૃતરાષ્ટ્ર જેમ મામકાનો ભાવ આવી જ જાય. તેમાંથી બચીએ ત્યાં ઇચ્છાનું મોજું ઉભું થાય; તેમાં ડૂબવાથી બચીએ ત્યાં તો પ્રલોભન દેખાય. આજે આનંદ લૂંટી લઈએ તો કાલ કોણે જોયું તેની ચિંતાની ભાવના જન્મે.

ગાંધીજીની સલાહ હતી કે, આશ્રમવાસીએ સદાય જાગૃત રહી અગિયાર મહાવ્રતો પાળવા, કારણ કે તપ વિના વ્યક્તિત્વ વિકાસ શક્ય નથી. કબીરજીનો ઉપદેશ તો અકળ જગતના પદાર્થોને એક જ માનવાનો છે. આ સત્ય સમજાય તો આંખ જે જુએ, તેમાં તત્સત્ત્વનું દર્શન જ થાય.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)