|
કબીર ગર્વ ન કીજીયે, ઈસ જોબન કી આસ, ટેસુ ફૂલા દિવસ દસ, ખંખર ભયા પલાસ.
|
રૂપ, યૌવન, ધન અને સત્તાનો મદ થાય તે સામાન્ય ઘટના છે. આવો ગર્વ, અહમ્ માનવીને ભાન ભુલાવી દે છે.
સમગ્ર જગતના પદાર્થો કાળગ્રસ્ત થાય છે. તે દ્રષ્ટિએ શાસ્ત્રો આત્મ-તત્ત્વને પ્રભુના અંશરૂપે શાશ્વત માને છે. જે નશ્વર છે તેનો નશો થાય તો નાશ નિશ્ચિત છે આ હકીકત નજર અંદાજ થાય છે.
કબીરજી આ સાખીમાં જોબન (યુવાવસ્થા)ના કારણે થતા ગર્વની વાત સાથે પલાસના વૃક્ષ પર ખીલી ઊઠતાં લાલ ફૂલની ઉપમા જોડી આપણને સમજાવે છે. આ ફૂલોનું આયુ અલ્પ હોય છે. થોડા દિવસમાં તે ખરી પડે છે. વૃક્ષ ફરી ઠુંઠા જેવું દેખાય છે.

આપણી કહેવત છે કે, પીપળ પાન ખરતાં, હંસતી કુંપળીયા, મુજ વીતી તુજ વિતશે ધીરી બાપુડીયા. આજે સમાજમાં વડીલોની માવજતની સમસ્યા ઘેરી બની છે. સગા પુત્ર-પુત્રીને માતા-પિતાનો બોજ લાગે છે અને પોતાની જવાબદારી ટાળવા તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે છે.
આમાં ભૌતિકવાદનો પ્રભાવ છે અને સંસ્કારનો અભાવ છે. કબીરજીની ચેતવણી યુવાનોએ ધ્યાને લેવા જેવી છે. શાંત ચિત્તે કરેલા સાચા વિચારો જ જીવનમાં સુખદાયી બને છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)


