આંતરાષ્ટ્રીય મહિલા દિવસ 2020: ભારતીય સેનામાં મોટે ભાગે પુરુષોનું પ્રભુત્વ રહેતું હોય છે, પણ આ પુરુષપ્રધાન સેનામાં ભાગ્યે જ કોઈ મહિલા કરી શકે એવી સિદ્ધિ મેજર જનરલ માધુરી કાનિટકરે બહુ મેળવી છે. તેઓ દેશની સશસ્ત્ર દળોમાં ત્રીજા મહિલા અને સૌપ્રથમ બાળ ચિકિત્સક છે, જે હવે લેફ્ટનન્ટ-જનરલનો હોદ્દો પણ ધરાવે છે.
મેજર જનરલ માધુરી કાનિટકરને 29મી ફેબ્રુઆરીએ લેફ્ટનન્ટ-જનરલના હોદ્દા પર આરૂઢ કરવામાં આવ્યાં હતાં. તેમણે નવી દિલ્હીમાં ડેપ્યુટી ચીફ, ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (DCIDS), મેડિકલ (ચીફ ડિફેન્સ સ્ટાફ નીચે)નો હોદ્દો સંભાળ્યો હતો.
પતિ-પત્ની બંને લેફ્ટેનન્ટ જનરલ
આનાથી પણ રસપ્રદ વાત એ છે કે કાનિટકર અને તેના પતિ રાજીવ –બંને જણ લેફ્ટનન્ટ જનરલ છે. વળી, સશસ્ત્ર દળમાં આ પદ પર પહોંચનારાં પ્રથમ દંપતી છે. જોકે લેફ્ટનન્ટ જનરલ રાજીવ કાનિટકર તાજેતરમાં જ આર્મીમાંથી નિવૃત્ત થયા હતા. લેફ્ટેનન્ટ જનરલ માધુરી કાનિટકર પુણેની સશસ્ત્ર દળ મેડિકલ કોલેજનાં પ્રથમ મહિલા ડીનમાંનાં એક છે અને તેઓ આર્મી મેડિકલ કોર્પ્સમાં પીડિયાટ્રિક નેફ્રોલોજી યુનિટ સ્થાપનારાં પ્રથમ બાળ ચિકિત્સક તરીકે જાણીતાં છે.
કાનિટકરે એઇમ્સમાં પીડિયાટ્રિકની તાલીમ લીધી છે અને પીડિયાટ્રિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. તેઓ વડા પ્રધાનના સાયન્ટિફિક અને ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડના સભ્ય પણ છે. પુણેમાં એએફએમસીનાં ડીન તરીકે બે વર્ષથી વધુ સમય પૂર્ણ કર્યા બાદ ગયા વર્ષે કાનિટકરે ઉધમપુરના મેજર જનરલ મેડિકલની જવાબદારી લીધી હતી. ગયા વર્ષે જ લેફ્ટેનન્ટ જનરલના પદ માટે કાનિટકરની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તેમણે હાલમાં આ પદનો કાર્યભાર સંભાળ્યું હતું.
જે લોકો આર્મીના પદોથી માહિતગાર નથી તેઓ જાણી લે કે એર ફોર્સમાં થ્રી સ્ટાર ધરાવતા અધિકારીઓ વાઇસ એડમિરલ, લેફ્ટનન્ટ જનરલ અને એર માર્શલનો હોદ્દો ધરાવે છે.


