SA20 ના આગામી સીઝનની મિની હરાજી પહેલાં 5 ઓગસ્ટે તમામ ફ્રેન્ચાઈઝીઓએ જાળવી રાખેલા (Retained) અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. વર્તમાન ચેમ્પિયન MI કેપટાઉને અનુભવી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ, ઓલરાઉન્ડર કાયરોન પોલાર્ડ અને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રાસી વાન ડેર ડુસેનને રિલીઝ કરી દીધા છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન ટીમ છોડીને ડરબન સુપર જાયન્ટ્સમાં જોડાણ સાધી ચૂક્યો છે, જ્યાં તે જોસ બટલર સાથે રમશે.
ટ્રેન્ટ બોલ્ટના પ્રદર્શનમાં સતત કડાકો
37 વર્ષીય ટ્રેન્ટ બોલ્ટ માટે છેલ્લી SA20 સીઝન અત્યંત સાધારણ રહી હતી. તેણે 10 મેચોમાં માત્ર 8 વિકેટ લીધી હતી, જેમાં તેની બોલિંગ એવરેજ 43 રહી અને ઈકોનોમી રેટ 6.94 થી વધીને 9.82 સુધી પહોંચી ગયો. મેજર લીગ ક્રિકેટ (MLC) 2026 માં MI ન્યૂયોર્ક માટે બોલ્ટે 10 મેચમાં 8 વિકેટ લીધી હતી. હાલમાં તે ધ હન્ડ્રેડ 2026 માં MI લંડન તરફથી રમી રહ્યો છે, જ્યાં તેણે 5 મેચમાં 6 વિકેટ ઝડપી છે.

IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે મુશ્કેલી
IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સે બોલ્ટને 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તે માત્ર 5 મેચ રમી શક્યો હતો અને તેને માત્ર 2 વિકેટ મળી હતી. વિવિધ ફ્રેન્ચાઈઝી લીગમાં નબળા પ્રદર્શનને કારણે IPL મિની હરાજી પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ પણ તેને રિલીઝ કરવા અંગે વિચારણા કરી શકે છે.
કાયરોન પોલાર્ડ અને કોચિંગ રોલ પર ચર્ચા
39 વર્ષીય કાયરોન પોલાર્ડને પણ MI કેપટાઉને રિલીઝ કરી દીધો છે. ગત SA20 સીઝનમાં તેને માત્ર 2 મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે 20 રન બનાવ્યા હતા અને કોઈ વિકેટ મેળવી નહોતી. IPL માં મુંબઈ ઈન્ડિયન્સે તેને પહેલાં જ ખેલાડી તરીકે મુક્ત કર્યો હતો અને 2023 માં તેને બેટિંગ કોચ બનાવ્યો હતો. હાલમાં મુંબઈ ઈન્ડિયન્સનું બેટિંગ પ્રદર્શન નબળું રહ્યું હોવાથી તેના કોચિંગ રોલ અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
વિલ જેક્સ હવે ત્રણ MI ટીમોનો હિસ્સો
ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર વિલ જેક્સ હવે મુંબઈ ઈન્ડિયન્સ ગ્રુપની 3 અલગ-અલગ ફ્રેન્ચાઈઝીનું પ્રતિનિધિત્વ કરશે:
IPL માં મુંબઈ ઈન્ડિયન્સ.
ધ હન્ડ્રેડમાં MI લંડન.
SA20 માં MI કેપટાઉન (આ પહેલાં તે પ્રિટોરિયા કેપિટલ્સનો હિસ્સો હતો).
હરાજી પહેલાં MI કેપટાઉનની વર્તમાન સ્કવોડ
મિની ઓક્શન પહેલાં MI કેપટાઉન પાસે વિલ જેક્સ, રાશિદ ખાન, નિકોલસ પૂરન, કોર્બિન બોશ, રીઝા હેન્ડ્રિક્સ, થૉમસ કેબર, જ્યોર્જ લિન્ડે, ડેન પીડ્ટ, રયાન રિ કેલ્ટન, જેસન સ્મિથ, ટિયાન વાન વુરેન, ટ્રિસ્ટન લૂસ અને કગિસો રબાડા સામેલ છે. હાલમાં ટીમ પાસે 8 સ્લોટ ખાલી છે, જેને મિની હરાજીમાં ભરવામાં આવશે.




