કહેવાતા આધ્યાત્મિક ગુરુ નિત્યાનંદ ફરી વિવાદમાંઃ યુવતીને બંધક બનાવ્યાનો આરોપ

અમદાવાદઃ વિવાદાસ્પદ આધ્યાત્મિક ગુરુ નિત્યાનંદ સ્વામીના અમદાવાદ સ્થિત આશ્રમમાં યુવતીઓને જબરદસ્તી બંધક બનાવી રાખ્યાનો આરોપ લાગ્યો છે. બેંગલુરુથી આવેલા એક દંપતિએ પોતાની પુત્રી અહીંયા હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસ ફરિયાદ નોધાવી છે. પોલીસે નિત્યાનંદ આશ્રમમાં યુવતીની શોધ કરી પરંતુ તેનો કોઈ પત્તો ન મળતા પરિજનોએ હોબાળો મચાવ્યો હતો. બેંગલુરુના દંપતીનો આરોપ છે કે તેમની પુત્રી હત્યા કરી દેવામાં આવી છે અથવા તો નિત્યાનંદ તેને ભગાવીને વિદેશ લઈ ગયો છે. તેને જબરદસ્તી બંધક બનાવવામાં આવી છે.

ગુમ થયેલી યુવતીના પિતાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે તેમને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. આ તમામ લોકો બેંગલુરુની દિલ્હી પબ્લિક શાળામાં અભ્યાસ કરતા હતા અને ત્યાં જ નિત્યાનંદ આશ્રમમાં રહેતા હતા. તેમના બાળકો નાબાલિક હતા અને એક દિકરી 18 વર્ષની છે. તેમને જણાવ્યા વિના જ બેંગ્લોરના આશ્રમમાંથી નિત્યાનંદના અમદાવાદના યોગિની સર્વાજ્ઞપીઠ આશ્રમમાં મોકલી દેવામાં આવ્યા.

છેલ્લા ચાર મહિનાથી તેઓ પોતાની પત્ની સાથે બાળકોને મળવા આવી રહ્યા છે. પરંતુ આશ્રમના લોકો તેમને પોતાના બાળકો સાથે મળવા દેતા નથી. અંતે કંટાળીને તેમણે ચાઈલ્ડ વેલફેરમાં ફરિયાદ કરી છે. ત્યારબાદ વેલફેરના અધિકારીઓએ પોલીસ સાથે આશ્રમમાં પહોંચીને તેમના ત્રણ બાળકો સાથે મુલાકાત કરાવી હતી. પરંતુ તેમની 18 વર્ષની એક દિકરી સાથે મુલાકાત કરવા દેવામાં ન આવી. છોકરીના પિતાએ જણાવ્યું કે મારી દિકરી સાથે આશ્રમમાં દુષ્કર્મ થયું છે. મારી દિકરી ક્યાં છે તે વિશે કોઈને ખબર નથી. મારી પુત્રીની હત્યા કરી દેવામાં આવી છે અથવા તો નિત્યાનંદ તેને વિદેશ લઈ ગયો છે. અત્યારે પોલીસ અને ચાઈલ્ડ વેલફેર કમિટી આ મામલે તપાસ કરી રહી છે.