જમ્મુ-કાશ્મીરમાં થયેલા પહલગામ આતંકી હુમલાના મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ એક મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. આ આતંકી હુમલાની પૂરક ચાર્જશીટ તૈયાર કરી લેવામાં આવી છે, જેમાં પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર-એ-તૈયબા (LeT) ના ચીફ અને ફાઉન્ડર હાફિઝ સઈદને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. સમાચાર એજન્સી ANI મુજબ, NIA એ સ્પષ્ટ કર્યું છે કે તેણે પહલગામ આતંકી હુમલાના કેસમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી અને LeT/TRF ના ચીફ હાફિઝ સઈદ વિરુદ્ધ સત્તાવાર રીતે આરોપો નક્કી કર્યા છે. જમ્મુની સ્પેશિયલ NIA કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ પૂરક ચાર્જશીટમાં, એન્ટી-ટેરર એજન્સીએ હાફિઝ સઈદ પર વ્યક્તિગત રીતે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા તેમજ તેના સક્રિય પ્રોક્સી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) ના ચીફ તરીકે ગંભીર આરોપો લગાવ્યા છે.

આ કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધાયો
આરોપી હાફિઝ સઈદ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 અને અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (UAPA), 1967 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ચાર્જશીટમાં NIA એ જણાવ્યું છે કે આરોપી સામે ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા અને સરહદ પારથી આતંકી ષડયંત્ર રચવા સંબંધિત કડક શિક્ષાત્મક કલમો પણ ઉમેરવામાં આવી છે.
પાકિસ્તાન અને હાફિઝ સઈદની મુખ્ય ભૂમિકા
તપાસ એજન્સી દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ ચાર્જશીટ કુલ 1597 પાનાની છે. આ દસ્તાવેજમાં પાકિસ્તાનનું આતંકી ષડયંત્ર, હાફિઝ સઈદની મુખ્ય ભૂમિકા અને NIA દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસ દરમિયાન એકત્રિત કરાયેલા તમામ પુરાવાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.
કોણ છે આતંકી હાફિઝ સઈદ?
હાફિઝ મોહમ્મદ સઈદ વૈશ્વિક સ્તરે જાહેર કરાયેલો એક ખતરનાક આતંકવાદી છે. તે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સ્થાપક છે અને જમાત-ઉદ-દ્વા નામના સંગઠન સાથે પણ જોડાયેલો છે. તે ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં ટોચ પર છે. ભારતના ઈતિહાસના સૌથી કાળા પ્રકરણ ગણાતા 26/11 મુંબઈ આતંકી હુમલામાં પણ હાફિઝ સઈદની મુખ્ય માસ્ટરમાઈન્ડ તરીકેની ભૂમિકા રહી ચૂકી છે.
શું હતો પહલગામ આતંકી હુમલો?
22 April 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામ નજીક આવેલી બૈસરન ખીણમાં એક ભયાનક આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓ (Tourists) ના ધર્મ પૂછીને તેમને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધા હતા, જ્યારે અન્ય 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કાયરતાપૂર્ણ હુમલાના જવાબમાં ભારતીય સેના અને સુરક્ષા દળોએ ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) ચલાવ્યું હતું, જે અંતર્ગત સીમા પાર પાકિસ્તાનમાં ઘૂસીને ત્યાં આવેલા આતંકી ઠેકાણાઓને સફળતાપૂર્વક નિશાન બનાવી નેસ્તનાબૂદ કરવામાં આવ્યા હતા.




