દુનિયાના અનેક દેશોમાં 13 થી 16 વર્ષના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર રોક લગાવવામાં આવ્યા બાદ હવે ભારતમાં પણ બાળકોની ડિજિટલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ભારતમાં 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલી રહી છે. આ નિયમ હેઠળ માતા-પિતાની મંજૂરી મળ્યા બાદ જ બાળકો ઓનલાઈન અકાઉન્ટ એક્સેસ કરી શકશે. સંસદના ચોમાસુ સત્રમાં આ અંગેનું એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેને ‘સેફગાર્ડિંગ હેલ્ધી ઈન્ટરનેટ એન્વાયરન્મેન્ટ ફોર લિટલ ડિજિટલ નેટિવ્સ (SHIELD) બિલ, 2025’ નામ આપવામાં આવ્યું છે.

બાળકો માટે સુરક્ષિત ઈન્ટરનેટ બનાવવાનો પ્રસ્તાવ
સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગની દુનિયામાં બાળકોની વધતી હાજરી અને તેનાથી ઊભા થતા જોખમોને જોતા સંસદમાં આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. ભાજપના સાંસદ બૈજયંત પાંડા દ્વારા રજૂ કરવામાં આવેલા SHIELD Bill, 2025 માં 13 વર્ષથી નાની વયના બાળકોને પેરેન્ટ્સ વેરિફિકેશન વગર સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર અકાઉન્ટ બનાવતા રોકવાની જોગવાઈ છે. આ સાથે જ સગીરોની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર નજર રાખવા, તેમની પ્રોફાઈલિંગ કરવા અને ટાર્ગેટેડ એડ્સ દ્વારા તેમને નિશાન બનાવવા પર પણ પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી છે.
18 વર્ષથી ઓછી ઉંમરના સગીરો માટે અલગ નિયમો
શીલ્ડ બિલ 2025 માં 18 વર્ષથી ઓછી ઉંમરના તમામ યુવાનોને બાળકની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ અંતર્ગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઓનલાઈન ગેમિંગ સર્વિસ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ માટે બાળકોની સુરક્ષાને લગતા અલગ નિયમો લાગુ કરવાની વાત કહેવામાં આવી છે. 13 વર્ષથી નાના બાળકોના અકાઉન્ટ માટે વાલીઓની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે.
વાલીઓ માટે કંટ્રોલ ડેશબોર્ડની જોગવાઈ
શીલ્ડ બિલમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે ફરજિયાત એજ-વેરિફિકેશન (વય ચકાસણી) સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ ઉપરાંત માતા-પિતા કે વાલીઓ માટે એક ખાસ કંટ્રોલ ડેશબોર્ડ આપવાની વાત કરવામાં આવી છે, જેના દ્વારા તેઓ બાળકની ઓનલાઈન એક્ટિવિટી પર નજર રાખી શકશે. આ ડેશબોર્ડમાં પ્રાઈવસી સેટિંગ્સ બદલવા, અમુક ચોક્કસ સેવાઓ પર પ્રતિબંધ મૂકવો અને સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરવા જેવા મહત્ત્વના વિકલ્પો સામેલ હશે.

